હિંમતનગર, તા.ર
હિંમતનગર અમદાવાદ રોડ પર આવેલ હાજીપુર ગામમાં કાર્યરત ટ્રાન્સપોર્ટના એક માલિકે અગાઉ ૧ર જણાને અંદાજે રૂા.ર.૩પ કરોડથી વધુની રકમ આપી હતી. પરંતુ તે રકમની ઉઘરાણી કરવા છતાં આ બાર જણાએ સમયસર પૈસા પરત ન આપતા આર્થિક ભીંસમાં સંકડાયેલા ટ્રાન્સપોર્ટરે રવિવારે પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ઝેરી દવા પી લઈને મોતને વ્હાલું કરી દીધું હતું. જે અંગે ફરિયાદ રવિવારે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.
આ અંગે મુનપૂર ગામના પીનાકીન કાંતિભાઈ પટેલે નોંધાયેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ થોડા સમય અગાઉ શૈલેષભાઈ ચીમનભાઈ પટેલ ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હોવાથી તેમણે હાજીપુરની સીમમાં ટ્રાન્સપોર્ટની ઓફિસ શરૂ કરી હતી. દરમ્યાન તેમણે અનિલ માથુર કે જેઓ તત્કાલિન સમયે શામળાજી નજીક આવેલ આરટીઓમાં નોકરી કરતા હતા તથા પ્રમોદ દધીચી સહિત અન્ય ૧ર જણાને ગમે તે કારણસર અલગ-અલગ દિવસે મળી અંદાજે રૂા.ર,૩પ,૭૩,ર૦૦ની રકમ આપી હતી. જે અંગે વાયદો પૂરો થવા છતાં આ ૧ર જણાએ શૈલેષકુમાર પટેલને પૈસા પરત આપ્યા ન હતા. જેથી શૈલેષભાઈએ ફોન દ્વારા તથા રૂબરૂ જઈ ઉઘરાણી કરી હતી અને પૈસા ન આવતા શૈલેષભાઈ પટેલ ખૂબ જ આર્થિક ભીંસમાં આવી ગયા હતા અને કોઈ વિકલ્પ ન રહેતા તેમણે રવિવારે પોતાની હાજીપુર ખાતે આવેલ જીગર ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં જઈ ઝેરી દવા પી લીધી હતી, જેથી તેમનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ તપાસ કરતા શૈલેષભાઈએ મોતને વ્હાલું કરવા પાછળ આર્થિક ભીંસમાં આવી ગયા હોવાનું જણાયું હતું. જેથી પીનાકીન પટેલે બાર જણા વિરૂદ્ધ રવિવારે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
કોની વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
• અનિલ માથુર (આરટીઓ, ચેકપોસ્ટ, રતનપુર)
• પ્રમોદ દધીચી
• સુનીલ માથુર
• નિહારીકા માથુર
• માલવિકા માથુર
• નિરૂ માથુર
• ડોલી માથુર
• કરણી ભવર (આરટીઓ, મંડાર બોર્ડર)
• રાજકુમાર જી. (આરટીઓ)
• વિજયસિંહ ભાટી
• ચંદ્રવીરસિંહ ભાટી
• પદમ ભાટી