પ્રતિબંધ મૂકાયા બાદ છેલ્લી ફ્લાઇટ આવી પહોંચી

• આ તમામ મુસાફરોને એરપોર્ટથી સીધા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
• બાકીના ૨૬૬ મુસાફરને તબીબોના માર્ગદર્શન હેઠળ હોમ કવોરન્ટાઈન કરાયા

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૨
બ્રિટન સહિત યુરોપના કેટલાક દેશોમાં કોરોના વાયરસનું નવું ઘાતક સ્વરૂપ બહાર આવતા ભારત સહિત વિશ્વના કેટલાક દેશોએ બ્રિટનથી આવતી અને જતી ફ્લાઈટો પર પ્રતિબંધ મૂકી દીધો છે. આમ તો આજથી તમામ ફ્લાઇટો પર ૩૧મી ડિસેમ્બર સુધી પ્રતિબંધ છે. આજે સવારે લંડનથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાં ૨૭૧ મુસાફરો આવ્યા હતા. આ તમામ મુસાફરોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવતા પાંચ મુસાફરોના પોઝિટિવ આવતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કોરોના વાયરસ બ્રિટન સહિત યુરોપિયન દેશોમાં વધુ ઘાતક બન્યો છે. કોરોના વાયરસનો એક નવો પ્રકાર મળી આવ્યો છે. આ નવો પ્રકાર ૭૦ ટકા વધુ ચેપ ફેલાવનારો મનાઈ રહ્યો છે. આથી આ ખતરનાક વાયરસ અન્ય દેશોમાં ના ફેલાય તે માટે ભારત સહિત વિશ્વના કેટલાક દેશોએ બ્રિટનમાં જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
જેને પગલે ભારતથી લંડન જતી તમામ ફ્લાઇટો બંધ કરી દેવામાં આવી છે. દરમિયાન આજરોજ લંડનથી અમદાવાદ આવેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ એઆઈ ૧૧૭૧ આજે સવારે ૧૦.૪૦ વાગ્યાની આસપાસ અમદાવાદ આવી પહોંચી હતી. જેમાં ૨૭૧ જેટલા પેસેન્જર આવતાં ઈન્ટરનેશનલ ટર્મિનલમાં તમામનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી એક બ્રિટિશ નાગરિક સહિત પાંચ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેને પગલે પોઝિટિવ આવેલા તમામ મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ જે પેસેન્જરનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ જણાશે તેને સીધો હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. જેમનો રિપોર્ટ નેગેટિવ આવશે તેમને ૭ દિવસ સુધી રાજ્ય સરકારના તબીબોની દેખરેખ હેઠળ ઘરે હોમ ક્વોરન્ટીન રહેવું પડશે. RT-PCR ટેસ્ટની કામગીરી દરમ્યાન પેસેન્જરોને હાલાકી ન થાય તે માટે ટર્મિનલ બિલ્ડિંગમાં જ ચા-નાસ્તાની સાથે બપોરના લંચની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. લંડનથી આવેલા મુસાફરોના ટેસ્ટ માટે કોર્પોરેશનની બે ટીમ અને DDOની ટીમ PPE કિટ સાથે એરપોર્ટ પર હાજર રહી હતી. સરકારના આદેશ મુજબ, આ ફ્લાઈટમાં આવનારા તમામ ૨૭૧ પેસેન્જરોને એરપોર્ટ ટર્મિનલમાં જ રોકી દેવામાં આવ્યા હતા. આ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પેસેન્જરોને ઘરે જવા દેવામાં આવ્યા હતા. લંડનથી આવનારા તમામ પેસેન્જરોને લેવા માટે તેમના સંબંધીઓ વહેલી સવારથી આવી પહોંચ્યા હતા. તેમનાં પરિવારજનોને ટેસ્ટ કર્યા બાદ બહાર આવવા દેશે એની જાણ હોવા છતાં મુસાફરોના સગાસંબંધીઓ તેમની રાહ જોતા કલાકો સુધી બહાર બેસી રહ્યા હતા. દરમિયાન તમામ ૨૭૧ મુસાફરોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા બાદ તેઓનો રિપોર્ટ ના આવ્યો ત્યાં સુધી એરપોર્ટ સંકુલમાં જ રોકી રાખવામાં આવ્યા હતા.રિપોર્ટ આવી જતા એક બ્રિટિશ નાગરિક સહિત પાંચ મુસાફરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આથી તેઓને એરપોર્ટથી સીધા જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બાકીના ૨૬૬ મુસાફરોને તબીબોના માર્ગદર્શન હેઠળ સાત દિવસ સુધી ઘરમાં જ કવોરન્ટાઈન કરવાની સલાહ આપવામાં આવી હતી.