(એજન્સી) લંડન, તા. ૨૭
લંડનમાં ભારતીય દૂતાવાસ સામે ગણતંત્ર દિવસના અવસરે શુક્રવારે એ સમયે હોબાળો થયો જ્યારે હાઉસ લોડ્‌ર્સના મેમ્બર નઝીર અહેમદે કાશ્મીર અને ખાલિસ્તાનની આઝાદીની માગને લઇ બ્લેક જે મનાવવાનું શરૂ કર્યું હતું. ઘટનાસ્થળે પહોંચેલા ભારતીયો સાથે લોર્ડ નઝીરની ઝપાઝપી થઇ ગઇ હતી. પીઓકેમાં જન્મેલા નઝીર યોર્કશાયર પ્રાંતનું પ્રતિનિધિત્વ કરે છે અને કાશ્મીરી પાકિસ્તાનીઓ સાથે સારા સંબંધો ધરાવે છે. તેઓ પોતાની માગો સાથે લંડનની સડકો પર ઉતરી પડ્યા હતા. શુક્રવારે તેઓ ભારતીય રાજદૂતાવાસ સમક્ષ ભેગા થયા હતા. નઝીર સમર્થકોએ ભારતના કથિત હેરાનગતિના વિરોધમાં આયોજન કર્યું હતું. આના વિરોધમાં ભારતીય અને બ્રિટિશ નાગરિકોએ નઝીર પર બ્રિટિશ સિસ્ટમની મજાક ઉડાવવાનો આરોપ લગાવી કહ્યું કે, તેઓ ખુલ્લેઆમ પાકિસ્તાન પ્રાયોજિત રમત લંડનમાં રમી રહ્યા છે. નઝીરે જણાવ્યું કે, રાજદૂતાવાસ સામે અમે નાના જૂથે શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો છે. બીજી તરફ ભારતીય દૂતાવાસેકહ્યું છે કે, આ મુદ્દે તે બ્રિટનના સત્તાવાળાઓ સાથે વાત કરશે. જોકે, બિલબોર્ડ ખાનગી વાહનો છે અને તે રાજ્યના અંકુશમાં આવતા નથી. આ દરમિયાન ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી દિનેશ શર્મા એજ્યુકેશન વર્લ્ડ ફોરમ માટે લંડનમાં હતા તેમણે આ આરોપોને કટ્ટરવાદી તત્વો દ્વારા ઉભી કરાતી સમસ્યા ગણાવી હતી. બીજી તરફ ભારત સમર્થક જૂથોએ પણ ચલો ઇન્ડિયા હાઉસ નામથી આયોજિત કરેલી રેલી કરી હતી. આમ તેઓએ પણ ગણતંત્ર દિવસે ભારત વિરોધી તત્વો વિરૂદ્ધ નારા લગાવ્યા હતા.