(એજન્સી) લંડન, તા. ૨૭
લંડન ખાતે સ્થિત ઇન્ડિયન હાઇ કમિશનની કચેરીની બહાર ગઇકાલે સાંજે ભારતના સમર્થકો અને પાકિસ્તાન સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ. માહોલ તંગ બન્યો હતો. ભારતના ગણતંત્ર દિવસના પ્રસંગે પાકિસ્તાની મૂળના લોર્ડ નઝીર એહમદની આગેવાનીમાં એક જૂથ કાશ્મીરની આઝાદી અને ખાલિસ્તાનની માંગણી કરી રહ્યું હતું, તો તેનો વિરોધ કરવા માટે ઘણા ભારતીયો અને બ્રીટીશ ગ્રુપ્સ પણ પહોંચી ગયા હતા અને નઝીરના મનસૂબાઓ પર પાણી ફેરવી કાઢયું હતું. જો કે, પાકિસ્તાની સમર્થકો અને ભારતીય સમર્થકો વચ્ચે ઉગ્ર ઝઘડો થઇ ગયો હતો અને સામસામે જોરદાર સૂત્રોચ્ચાર લાગ્યા હતા અને વાવટાઓ ઝંડાઓ ફરકાવાયા હતો. તો કેટલાક સમર્થકોએ બેનેરો અને પ્લેકાર્ડ પણ દર્શાવ્યા હતા. ભારતીય સમર્થકોએ પ્લેકાર્ડ દર્શાવી શાંતિનો સંદેશ આપ્યો હતો. નઝીર એહમદ હાઉસ ઓફ લોર્ડઝના મેમ્બર છે. જેમની આગેવાની હેઠળ પાકિસ્તાની સમર્થકોએ ઉગ્ર દેખાવો યોજયા હતા પરંતુ ભારતીય સમર્થકોએ તેનો વળતો જોરદાર જવાબ આપ્યો હતો. ભારતીય સમર્થકો અને બ્રીટીશ ગ્રુપના લોકોએ પાકિસ્તાન તરફી પ્રદર્શનકારીઓ અને સમર્થકોનો પ્રચંડ વિરોધ કરી તેમના મનસૂબાઓ પર પાણી ફેરવી કાઢયું. એક તબક્કે નઝીર એહમદનો વિરોધ કરવા પહોંચેલા ભારતીય સમર્થક અને જૂથોએ મોદી-મોદી, ભારત માતા કી જય, વંદે માતરમ્‌ ના નારાઓ લગાવી વાતાવરણ ગજવી મૂક્યું હતું. ભારત અને પાકિસ્તાન સમર્થકોના બંને જૂથો દ્વારા એકબીજા પર જબરદસ્ત ભડાશ કાઢવામાં આવી હતી. જેને લઇ વાતાવરણ તંગ બની ગયું હતું. ઉશ્કેરાઇ ગયેલા અને સામસામે આવી ગયેલા બંને જૂથોના લોકો અને પ્રદર્શનકારીઓને છૂટા પાડવા અને વિખેરવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. લંડનમાં સ્થિત ઇન્ડિયન હાઇ કમીશને પાકિસ્તાની સમર્થકોના આ પ્રદર્શનને એક બદનામ નેતાની બેસબ્ર કોશિશ સમાન ગણાવ્યું હતું.