અમદાવાદ,તા.૬
રાજયમાં શિક્ષણના ધામમાં ન શોભે તેવું અશોભનીય બનાવ અમદાવાદમાં બનવા પામ્યો છે. ખુદ શાળા સંચાલકે જ મહિલા શિક્ષિકાને જબરજસ્તી ચૂંબન કરી ગાલ ઉપર બચકા ભરી લેતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક ખાનગી શાળામાં નોકરી કરતી એક શિક્ષિકાને શાળાના સંચાલક જ પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા હતા. વોટસએપ પર મેસેજ કરીને સંચાલક શિક્ષિકાને હેરાન કરતા હતા. ગત તા.પ જુલાઈના રોજ શાળા સંચાલક શિક્ષિકાને ઘરે જઈને કહેવા લાગ્યો હતો કે મારે તારો મોબાઈલ ચેક કરવો છે. તું કોની કોની સાથે વાત કરે છે. ત્યારે મહિલાએ ફોન ચેક કરવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા સંચાલકે શિક્ષિકાને ધકકો મારતા તે નીચે પડી ગઈ હતી. ત્યાર બાદ આરોપી સંચાલકે શિક્ષિકાના ગાલ ઉપર ચૂંબન ભરી બચકા ભરી ફરાર થઈ ગયો હતો. શાળા સંચાલકે કરેલી આ ગેરવર્તણૂકથી શિક્ષિકા ડઘાઈ ગઈ હતી. જેથી તેણે તાત્કાલિક રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. મહિલાની પોલીસ ફરિયાદના આધારે રામોલ પોલીસે આરોપીને પકડી પાડયો છે. સમગ્ર મામલે રામોલ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.એસ. દવેએ જણાવ્યું હતું કે અમરાઈવાડીની એક ખાનગી શાળાના સંચાલક નવચેતપોરકો નામના આરોપીને મહિલા શિક્ષિકા સાથે ગેરવર્તન કરવા બદલ પકડી લીધો છે. સમગ્ર બનાવને ગંભીરતાથી લઈને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.