(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૫
આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ઇસરવાડા ગામની સીમમાં સુરત તરફથી અમરેલી તરફ જઇ રહેલી લક્ઝરી બસ પલ્ટી ખાઈ જતાં લક્ઝરી બસમાં સવાર એક મુસાફરનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ૨૦ થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઇ હતી.આ બનાવ અંગે તારાપુર પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર સુરત હનુમાન રોડ માતાવાડી વિસ્તાર ખાતે રહેતા મૂળ અમરેલીના વતની દીપકભાઈ દિનેશભાઈ સૂચક (લુહાણા ઠક્કર) ગત તારીખ ૨૪મીની રાત્રે સુરતથી પોતાના વતન અમરેલી જવા માટે કામરેજ ચાર રસ્તાથી સિધ્ધનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર જીજે ૧૪ વી ૭૭૪૪માં બેઠા હતા. આ લક્ઝરી બસમાં અન્ય મુસાફરો પણ બેઠા હતા લક્ઝરી બસ વાયા જંબુસર થઈ બોરસદ તારાપુર થઈ ગુરૂવાર વહેલી સવારના અરસામાં તારાપુર તાલુકાના ઈસરવાડા ગામની સીમ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે લક્ઝરી બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ કોઈ કારણસર ગુમાવી દેતા લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી. જેમાં લક્ઝરી બસમાં સવાર મુસાફરોને શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી. જ્યારે અન્ય એક મુસાફર સંદીપભાઈ મુકેશભાઈ ગોસ્વામી (રહે. મોટા ઉમરડા, તાલુકો ગઢડા જીલ્લો બોટાદ)ને ગંભીર ઇજાઓ થતા મોત નિપજ્યું હતું.