(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા. ૩૦
લખતર તાલુકાના તલસાણા ગામે ખેડૂતો પાસેથી તળાવમાંથી માટી લઈ જતા ખેડૂતો પાસે ટ્રેકટર દીઠ રૂા. પ૦ સરપંચ અને તલાટી ઉઘરાવતા હોવાની લેખિત ફરિયાદ મામલતદારને કરાતા ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે. સરકાર જળસંચય માટે કરોડોનો ખર્ચ કરે છે અને બીજીબાજુ સુજલામ સુફલામ યોજના નીચે તલસાણા ગામના તળાવને ઊંડુ કરવાનું કામ ચાલે છે. સરકારની જાહેરાત મુજબ કોઈપણ ખેડૂત તળાવની માટી મફત લઈ જઈ શકે છે. પરંતુ આ અંગે વનાભાઈ, બુધાભાઈ, બળદેવભાઈ અને મનસુખભાઈ સહિતના ખેડૂતોએ લખતરમાં મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરતા ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે. આમ ખેડૂત પાસેથી નાણાં ઉઘરાવતા સરપંચ અને તલાટી સામે કાયદેસર કાર્યવાહી કરાશે કે કેમ ? સરકારની સુજલામ સુફલામ યોજના જળસંચય માટે છે. પરંતુ અમુક લોકો માટે નાણાંસંચય યોજના સાબિત થઈ રહી છે.