(એજન્સી) તા.૫
એક તરફ જ્યાં દુનિયાભરમાં કોરોના વાયરસની મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જઈ રહી છે. ત્યાં ભારતમાં કોરોના વાયરસ મુદ્દે પણ કોમવાદીકરણ કરવાનું ભગવધારી પક્ષ છોડતું નથી. તેમને જરાક તક મળે તો તે કોમવાદ ફેલાવવાનું શરૂ કરી દે છે. તાજેતરમાં જ યુપીની યોગી સરકારે હોટસ્પોટ નક્કી કરવા મામલે પણ કોમવાદ જ કર્યું. લખનૌમાં ૧૮ જેટલા કોરોના વાયરસના હોટસ્પોટ નક્કી કરાયા હતા જેમાંથી આઠ તો મસ્જિદોના આધારે જ નક્કી કરાયા. જો કે, સરકારની આ કવાયતને કારણે જ મુસ્લિમ સમુદાયના લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે અને બીજીબાજુ વિપક્ષી દળોએ પણ કોરોના વાયરસ જેવી મહામારી મુદ્દે પણ કોમવાદ કરવાનો આરોપ મૂક્યો છે. ઉત્તરપ્રદેશ કોંગ્રેસના વડા અજયકુમાર લલ્લુએ એક જાણીતા મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, સરકારે સૌથી પહેલાં તો મહામારી વિરૂદ્ધ લડવાની ચિંતા કરવી જોઈએ. એ વિસ્તારો પર વધુ ધ્યાન આપવું જોઈએ જ્યાંથી કેસ વધુ આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, જો કે કેટલાક લોકો એવા નવરાં છે કે, તેઓ લોકોનું ધ્યાન ભટકાવવા માટે બીમારીનું પણ કોમવાદીકરણ કરી રહ્યા છે. કોઈ એક ચોક્કસ સમુદાય સાથે આ બીમારીને સાંકળી દેવી એ ખરેખર ભેદભાવપૂર્ણ વાત છે, આવું ન થવું જોઇએ. આ ખરેખર ચિંતાજનક બાબત છે.