(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૧૭
વલ્લભીપુર તાલુકાના પચ્છે ગામે લગ્નપ્રસંગે યોજાયેલા દાંડિયારાસ દરમિયાન શખ્સે કરેલા ફાયરિંગમાં એક યુવાનનું મોત નિપજ્યું હતું, તેમજ એકને ઈજા પહોંચતા વલ્લભીપુર પોલીસ મથકમાં વરરાજા સહિત ત્રણ સામે પોલીસે ફરિયાદ નોંધી અટકાયત કરી હથિયાર કબજે કર્યું હતું. આ બનાવ અંગે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પીપરડી ગામે રહેતા હાર્દિકસિંહ સબળસિંહ જાડેજાએ વલ્લભીપુર તાલુકાના પચ્છે ગામે રહેતા વિશ્વરાજસિંહ રામદેવસિંહ ગોહિલના લગ્ન હોય પોતે અને તેમના પિતરાઈ ભાઈ પ્રીયરાજસિંહ બળવંતસિંહ જાડેજા, શક્તિસિંહ સુજાનસિંહ જાડેજા પચ્છે ગામે આવ્યા હતા. શનિવારે મોડી રાત્રે દાંડિયારાસનો કાર્યક્રમ શરૂ હતો, ત્યારે વિશ્વરાજસિંહ ઉર્ફે ભયલુએ પોતાની પિસ્તોલમાંથી ફાયરિંગ કરતા મીસ ફાયર થતાં પ્રીયરાજસિંહ બળવંતસિંહ જાડેજા (ઉ.વ.૨૦) નામના યુવાનને માથાના ભાગે જ્યારે શક્તિસિંહ સુજાનસિંહ જાડેજાના કાનના ભાગે ગોળી વાગી હતી. બંનેને સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં પ્રીયરાજસિંહનું મોત નિપજ્યું હતું. તેવી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી વરરાજા ધર્મરાજસિંહ રામદેવસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ ઉર્ફે ભયલુ ગૌતમસિંહ ગોહિલ અને ભાવનગર નજીકના નારીં ગામે રહેતા આર્મી મેન શૈલેન્દ્રસિંહ વનરાજસિંહ રાણા સામે આઈપીસી કલમ ૩૦૪, ૩૩૮, આર્મ્સ એક્ટ ર૭(૧), રપ(૧)(બી) સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે ઉક્ત ત્રણેય શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.