અમદાવાદ, તા.૧ર
રાજ્યમાં ખાનગી વાહનોમાં જાન લઈ જતા જાનૈયાઓને અવારનવાર નડતા અકસ્માતોને નિવારવા રાજ્ય સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે મુજબ લગ્નપ્રસંગે ખાનગી બસના વિકલ્પ તરીકે લોકોને એસટી નિગમની બસ સરળતાથી અને વાજબી ભાડાથી મળી શકશે.
અમદાવાદમાં રાણીપ ખાતે એસટી બસના મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીની જાહેરાત મુજબ લગ્નપ્રસંગ માટે ર૦ કિમી સુધીની ડબલ ફેરાની મુસાફરી માટે ૧ર૦૦ રૂપિયાના ભાડેથી બસ મળશે જ્યારે એક તરફ એટલે કે સિંગલ ફેરા માટે રૂા.૭૦૦માં એસટી બસ ભાડે મળશે. ૪૦ કિમી સુધીની મુસાફરી માટે ડબલ ફેરાના રૂા. ર૦૦૦ ભરવાથી બસ મળશે જ્યારે ૪૦ કિમી સુધી સિંગલ ફેરાના રૂા. ૧ર૦૦ ચૂકવવા પડશે. આ ઉપરાંત ૬૦ કિલોમીટર સુધીની મુસાફરી માટે ડબલ ફેરાના રૂા.૩૦૦૦ ચૂકવવાથી એસટી બસ ભાડે મળશે જ્યારે સિંગલ ફેરા માટે રૂા.૧પ૦૦ ભાડું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ટેમ્પો, મીની બસ કે અન્ય ખાનગી વાહનોમાં જાન લઈ જતા જાનૈયાઓને નડેલા અકસ્માતમાં અનેક લોકો મોતને ભેટી ચૂક્યા છે અને અનેક ઘાયલ થયા હતા. આથી ગરીબ અને મધ્યમવર્ગના લોકોને સસ્તા ભાડે સરળતાથી બસ મળી શકે તે હેતુથી એસટીની બસો લગ્ન માટે ભાડે આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદના રાણીપમાં એસટી નિગમની નવીન મધ્યસ્થ કચેરી અને નવી બસ સેવાના પ્રારંભ પ્રસંગે આ જાહેરાત કરી જણાવ્યું હતું કે, માર્ગ વાહન વ્યવહાર નિગમની સેવાઓ ભરોસાપાત્ર, વિશ્વસનિય અને આધુનિક બની રહી છે તે માટે કર્મયોગીઓ અભિનંદનને પાત્ર છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે એસટી નિગમના હાઈકમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનું પણ ઉદ્‌ઘાટન કર્યું હતું અને મેટ્રો લિંક બસ સેવાઓનો પ્રારંભ કરાવ્યો હતો.