નડિયાદ,તા.૧૪
લગ્ન મંડપમાં લગ્નનો ઉત્સાહ પુરબહારમાં હોય અને તેજ વખતે ખબર પડે કે યુવકની જાન આવશે નહીં ત્યારે કન્યા તથા તેના પરિવાર પર શી વીતી હશે ? આવો બનાવ નડિયાદના દવાપુરા ગામે બનવા પામ્યો છે. જેમાં પરણનાર યુવક સવારથી જ ગુમ છે જેના સમાચાર સાંભળી કન્યા તથા તેના માવતરના પગ નીચેથી ધરતી ખસી ગઈ હોય તેવો અનુભવ થયો હતો. આ અંગે કન્યાએ હિંમત કરી પોતાની સાથે છેતરપિંડી કરનાર યુવક તેમજ તેના પિતા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગત અનુસાર નડિયાદ તાલુકાના દવાપુરામાં રહેતા કેસરસિંહ વાઘેલાની પુત્રી શીતલની સગાઈ આણંદ તાલુકાના બોરિયાળી નાળેના ચેતનપુરા ગામના વીનુ શનાભાઈ રાઠોડના પુત્ર ચિરાંગ સાથે થઈ હતી. ત્રણ વર્ષની લાંબી સગાઈ વાળવા ૧૦/પ/૧૯ના રોજ બંનેના લગ્ન ગોઠવાયા હતા. તા.૯મીએ લગ્નના ગીતો ગવાયા આખી રાત રસોઈયાઓ જાતજાતની રસોઈ બનાવવાના કામે લાગ્યા બીજે દિવસે સવારે શીતલને પીઠી લગવાઈ મોસાળિયા મામેરા લઈને આવ્યા મહેમાનોને આવકારી ભાવના ભોજન જમાડ્યામાં આવી રહ્યા હતા. દરમ્યાન બપોરના બે વાગ્યા છતાં જાન ન આવતા શીતલના પિતાને ફાળ પડી જે વેળા ચેતનપુરથી બે ઈસમો મારતી બાઈક આવી ચડ્યા અને કહ્યું કે જાન નહીં આવે કેમ કે છોકરો સવારથી જ ક્યાંક ચાલ્યો ગયો છે. આ સાંભળીને શીતલના પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ શીતલને જાણ થતાં આનંદના આંસુ દુઃખમાં પલટાઈ ગયા મહેમાનો પણ દિગપુઢ થઈ બની ગયા છેક સાંજે પ વાગ્યા સુધી ચિરાગને શોધવાના પ્રયત્નો થયા પરંતુ સફળતા મળી નહીં લગ્ન કરાવનાર સુમિત્રાબેનને વારંવાર ફોન જોડ્યા પણ તેમણે પણ મોબાઈલ ઉઠાવ્યો નહીં બે દિવસ સુધી કોતડું ગુચવાયેલ રહ્યું આખરે હિંમત કરીને શીતલે નડિયાદ રૂરલ પોલીસમાં પોતાની સાથે છેતરપિંડી બદલ ચિરાગ રાઠોડ અને તેના પિતા વિનુભાઈ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.