(એજન્સી) તા.૮
વૈશ્વિક આંતકી સંગઠન અલ-કાયદા અરબ પેનિન્સુલાએ (એક્યુએપી) ભારતીય મુસલમાનો અને સમુદાયના વિદ્વાનોને ભારત વિરૂદ્ધ જેહાદમાં હાથ મિલાવવાની નાપાક અપીલ કરી છે. તેમણે સીએએને ટાંકીને મુસલમાનો સાથે ભેદભાવ દાખવવામાં આવતો હોવાનું જણાવીને મુસ્લિમોને શસ્ત્રો ઉઠાવવા અને ભારત વિરૂદ્ધ યુદ્ધ છેડવા જણાવ્યું છે. જો કે આતંકવાદી સંગઠન એ ભુલી જાય છે કે, તેના ઉપરાંત પાકિસ્તાન અને ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) દ્વારા પણ કેટલીયવાર ભારતીય મુસ્લિમોને ભડકાવવાની કોશિષ કરવામાં આવી છે પરંતુ તેમના કટ્ટરવાદી અને હિંસક વિચારોને દરેક વખતે ભારતીય મુસ્લિમોએ ફગાવી દીધાં છે. ભારતીય સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે, અલ-કાયદાની મિડલ ઇસ્ટ વિંગનું આ નિવેદન વૈશ્વિક આતંકી સંગઠન અલ-કાયદા અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર સર્વિસીઝ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ) વચ્ચે સાંઠગાંઠને ઉજાગર કરે છે. જે ભારતમાં લઘુમતીઓ વિરૂદ્ધ ભેદભાવને કારણ બનાવવા માગે છે. આતંકી સંગઠને નાગરીકતા સુધારા કાયદા (સીએએ)નો ઉલ્લેખ કર્યો છે કે જે ત્રણ પડોશી દેશો-પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ધાર્મિક આધારે ઉત્પિડનનો ભોગ બનેલા છ સમુદાયના લોકોને સરળતાથી નાગરીકતા આપવા માટે લાવવામાં આવ્યો છે. આ કાયદાને પાંચ મહિના અગાઉ ડીસે.૨૦૧૯માં સંસદ દ્વારા પાસ કરવામાં આવ્યો હતો. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં અનુસાર સીએએનો સંદર્ભ લઇને વૈશ્વિક આતંકી સગંઠન ભારત વિરુદ્ધ પાકિસ્તાનના સોશિયલ મીડિયા અભિયાનને સમર્થન આપવા ઉપરાંત મુસ્લિમ બહુમતીવાળા અખાતી દેશો સાથે ભારતના સબંધો ખરાબ કરવા ઇચ્છે છે અને ભારતીય મુસલમાનોને ભડકાવવા માગે છે. આમ પાકિસ્તાન અને આતંકી સંગઠન અલ-કાયદાની ભાષા એક છે, જેઓ સીએએના મુદ્દે ભારતીય મુસલમાનોને ભડકાવવા માગે છે.