(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૯
ગુજરાતની ભાજપ સરકાર આમ તો દરેક ક્ષેત્રે નવા-નવા આયોજનો નવી નીતિઓ થકી વિકાસ-વિકાસ અને માત્ર વિકાસની જ વાતો કરતી રહે છે પરંતુ સરકાર દ્વારા ચલાવાતા વહીવટ અંગેની સત્તાવાર રીતે બહાર આવતી વિગતો કઈક ઓર જ ચિત્ર સ્પષ્ટ કરતું હોય છે. તેમાં પણ એક તરફ સરકાર વિવિધ ક્ષેત્રોના વિકાસ તથા સમાજના ઉત્કર્ષ માટે કરોડોના ખર્ચના પગલાઓ લેતી હોય છે અને તે પણ દર વર્ષે વૃધ્ધિ પણ કરતી રહે છે ત્યારે બીજી તરફ કોણ જાણે કેમ રાજયના લઘુમતી સમાજ પ્રત્યે સરકાર જાણે ઓરમાયુ વર્તન રાખતી હોય તેમ તેઓ માટેના બજેટની ફાળવણીમાં સતત ઘટાડો કરી રહી છે. મોંઘવારી અને વસ્તી તથા વિકાસના પરિબળો જેમાં દરેક ક્ષેત્રોના બજેટમાં ઉત્તરોતર વધારો થવો જોઈએ અને તે મુજબ વધારો પણ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતની સરકાર લઘુમતી સમાજ માટે બજેટમાં વધારો કરવાને બદલે ઉત્તરોતર ઘટાડો કરી રહી છે. જે ઘણો બધો ઈશારો કરી રહી છે. ર૦૧૬-૧૭ના સમાજ કલ્યાણ વિભાગના કુલ બજેટના ૬.૩૭ ટકા લઘુમતીઓ માટે ફાળવાયા હતા. તેમાં સતત ઘટાડા સામે આગામી વર્ષમાં લઘુમતીઓ માટે માત્ર ર.૮૮ ટકા બજેટની જોગવાઈ કરવામાં આવી છે.
વિધાનસભાના બજેટ સત્રમાં ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલ વર્ષ ર૦૧૮-૧૯ના બજેટમાં સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રો માટે બજેટની ફાળવણીમાં સારો એવો વધારો કર્યો છે ત્યારે તેની સામે રાજયના સમાજ કલ્યાણ વિભાગ હેઠળ આવતા લઘુમતી સમાજના કલ્યાણ માટે માત્ર રૂા.૬૬.૮૩ કરોડની જ ફાળવણી કરવામાં આવી છે. આશ્ચર્ય પમાડે તેવી આ હકીકતમાં બજેટની દૃષ્ટિએ માત્ર ર.૮૮ ટકા જ જોગવાઈ કરાઈ છે. જયારે ર૦૧૭-૧૮માં ૩.ર૩ ટકા બજેટની ફાળવણી કરવામાં આવી હતી.
એટલું જ નહીં લઘુમતી સમાજના વર્ગોના સ્વરોજગારી માટે બજેટમાં જે જોગવાઈ કરાઈ છે. તે તો બહુ જ આશ્ચર્ય પમાડે તેવી છે. બજેટમાં ૧પ૦૦૦ જેટલા લઘુમતી સમાજના લોકોને સ્વરોજગારી સહાય આપવા માટે રૂા. બે લાખની રકમ ફાળવાઈ છે. એ મુજબ ગણીએ તો ૧પ૦૦ લોકોને માત્ર રૂા.૧૩૩.૩૩ની સહાય આપી શકાશે. હવે રૂા.૧૩૩.૩૩માં કયાં પ્રકારની સ્વરોજગારી ઉત્પન્ન કરી શકાશે. તેની તો માત્ર કલ્પના જ કરવી રહી છે ! ગુજરાતમાં ખેતમજૂરનું લઘુત્તમ વેતન પણ રૂા.૧૩૩થી વધારે છે.
જયારે લઘુમતી સમાજના છાત્રોને અભ્યાસ માટે અપાતી શિષ્યવૃતિ રકમનો વ્યાપ વધારવાને બદલે ઘટાડો થવા પામ્યો છે. ર૦૧૬-૧૭માં એસએસસી પૂર્વના વિદ્યાર્થીઓ માટે રાજય શિષ્યવૃતિ પેટે રૂા.ર૦.૩૦ કરોડનો ખર્ચ કરાયો હતો તેની સામે આગામી વર્ષ માટે માત્ર રૂા.ર.૪૮ કરોડની જ જોગવાઈ કરવામાં આવી છે એ જ રીતે ટેકનિકલ ડીપ્લોમા અને વ્યવસાયિક ઔદ્યોગિક અભ્યાસ માટે રાજય શિષ્યવૃત્તિ પેટે ર૦૧૬-૧૭માં ૬૮.૮૧ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો તેની સામે આગામી બજેટમાં માત્ર રૂા.રપ લાખની જોગવાઈ કરવામાં આવી છે આમ સરકાર દ્વારા લઘુમતી સમાજ માટે બજેટમાં વધારો કરવાને બદલે ઘટાડો કરવામાં આવી રહ્યાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.