(એજન્સી) તા.૧૭
લદાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં કેટલાંક સૈનિકો બરફથી થીજી ગયેલી ગલવાન નદીમાં પડી ગયા હતા. યાદ રહે કે આ અથડામણમા ભારતના ૨૦ જવાનો શહીદ થઇ ગયા હતા. લશ્કરના સૂત્રોએ એનડીટીવીને કહ્યું હતું કે તેઓને પૂરી ખાતરી છે કે આ હિંસક અથડામણમાં ચીનના ૪૫ સૈનિકો કાંં તો માર્યા ગયા હતા અથવા તો ઇજાગ્રસ્ત થયા હતા.
છેલ્લા કેટલાંક સપ્તાહથી પૂર્વ લદાખમાં આવેલા ગલવાન ખીણ પ્રદેશમાં બંને દેશોના સૈન્ય વચ્ચે સરહદ વિવાદના મુદ્દે ભારે તંગદીલી પ્રવર્તી રહી હતી જે સોમવારે હિંસક અથડામણમાં પરિણમી હતી. કેટલાંક અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે આ હિંસક અથડામણમાં ભાગ લેનારા ભારતના કેટલાંક સૈનિકોની હાલત અત્યંત ગંભીર છે. જો કે ૧૫ જૂન સોમવારના રોજ વાસ્તવમાં શું ઘટના બની હતી તે અંગેની નવી માહિતી બહાર આવી છે તે મુજબ ૧૫૦૦૦ ફૂટની ઉંડાઇએ આવેલા ગલવાન ખીણ પ્રદેશમાં ચીનના સૈનિકો દ્વારા બાંધવામાં આવેલા તંબુઓ દૂર કરવા ભારતીય સૈન્યની એક પેટ્રોલ પાર્ટી આગળ વધી હતી. ગત ૬ જૂનના રોજ બંને દેશોના સૈન્યના ઉચ્ચ અધિકારીઓની મીટિંગમાં જ ચીને ગલવાન ખીણ પ્રદેશમાંથી તંબુ દૂર કરવાની સંમતિ દર્શાવી હતી. ચીનના સૈનિકો પણ આ વિસ્તારમાંથી તંબુ દૂર કરીને સમગ્ર વિસ્તાર ખાલી કરી દેવા સંમત થઇ ગયા હતા. સૂત્રોએ કહ્યું હતું કે આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન ચીનના સૈનિકોએ ભારતના કર્નલ સંતોષ બાબુને નિશાન બનાવ્યા ત્યારે બંને ટુકડીઓ વચ્ચે મારામારી અને ઝપાઝપી શરૂ થઇ ગઇ હતી. બંને પક્ષના સૈનિકોના હાથમાં લોખંડની ખીલીઓ લગાડેલા સળિયા અને લાકડીઓથી સજ્જ થઇને આવ્યા હતા. આ ઘટના દરમ્યાન બંને પક્ષના સૈનિકોએ પોતાની મદદ માટે સૈનિકોની વધુ કુમક બોલાવી હતી. સોમવારે બપોરે શરૂ થયેલી આ સમગ્ર ઝપાઝપી છ કલાક સુધી ચાલી હતી. જે દરમ્યાન કેટલાંક સૈનિકો બરફથી થીજી ગયેલી ગલવાન નદીમાં પડી ગયા હતા. કાતિલ ઠંડી અને બગડેલા હવામાને સમગ્ર સ્થિતિ વધુ મુશ્કેલ બનાવી દીધી હતી. મંગળવારે એક કર્નલ અને બે જવાન શહીદ થઇ ગયાના અહેવાલોને પુષ્ટિ આપ્યા બાદ ભારતીય લશ્કરે મંગળવારે મોડેથી બહાર પાડેલા અન્ય એક નિવેદનમાં કહ્યું હતું કે વધુ ૧૭ જવાનો પણ શૂન્યથી નીચેના તાપમાનનો ભોગ બન્યા હતા અને તેઓ પણ શહીદ થઇ ગયા હતા.