(એજન્સી) તા.રર
ગત શુક્રવારે લોકોને આષ્ચર્યચકિત કરી દેતાં વડાપ્રધાનના નિવેદનના ૭૨ કલાક બાદ અને વડાપ્રધાન કાર્યાલયે કરેલી સ્પષ્ટતાના ૪૮ કલાક બાદ પણ હજુ એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે લદ્દાખમાં ભારતની સરહદમાં કોઈએ ઘૂસણખોરી કરી નથી એમ કહીને વડાપ્રધાન શું કહેવા માંગતા હતા. જે સ્પષ્ટતા કરવામાં આવી હતી તેમાં એમ કહેવામાં આવ્યું હતું કે ઘૂસણખોરીનો પ્રયાસ થયો હતો પરંતુ આપણા બહાદૂર જવાનોએ તે પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો હતો. પોતાના જ સંરક્ષણ પ્રધાન, વિદેશ પ્રધાન અને લશ્કરથી તદ્દન વિરોધાભસી નિવેદન કરતાં વડાપ્રધાન મોદીને આ અંગે સ્પષ્ટતા કરવાની સહેજપણ પરવા હોય તેમ લાગતું નથી, જેના કારણે હવે એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે, વડાપ્રધાન સરહદે પ્રવર્તમાન સ્થિતિને શાંત પાડવાના મૂડમાં છે કેમ કે તે જાણે છે કે ચીનને લશ્કરી જવાબ આપવો શક્ય નથી. જો કે, બીજી બાજુ એવી પણ અટકળોએ જોર પકડ્યું છે કે ચીનને જડબાતોડ જવાબ આપવા લશ્કરી તૈયારીઓ માટે સમય જરૂરી હોય તે ફક્ત સમય વિતાવી રહ્યા છે. એવી પણ અટકળો વહેતી થઈ છે કે તેમનું જે વિદેન હતું તે ચહેરો બચાવનારૂં હતું, પરંતુ જરૂરી નથી કે તે ચહેરો તેમનો પોતાનો હોય, અર્થાત તે અન્ય કોઈનો ચહેરો બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભારતના ઉદ્યોગપતિઓ હવે બહુ મોટા પાયે ચીનના રોકાણો, કાચો માલ અને ટેકનોલોજી તરફ વળી ગયા છે. અનિલ અંબાણીએ ચીનની બેંક પાસેથી લોન લીધી છે, અદાણી જૂથે ચીનની ટેકનોલોજી મેળવી છે, પરંતુ જ્યારે જેકમાએ માસ્ક અને પીપીઈ કિટ અને વેન્ટિલેટરના સ્વરૂપમાં એક માત્ર ભારતને બાદ કરતાં સમસ્ત યુરોપને મદદ કરવાની ઓફર કરી ત્યારે ચીનના માલ-સામાનનો બહિષ્કાર કરવાનો લોકજુવાળ ભડકી ઊઠ્યો હતો. ભારતનો ફાર્માસ્યૂટિકલ ઉદ્યોગ કાચામાલ માટે ચીન ઉપર સંપૂર્ણ અવલંબિત છે, એ જો ભારતનું ટેલિકોમ સેક્ટર ચીનના ઉપકરણોનો બહિષ્કાર કરે તો તેની ઉત્પાદન કિંમતમાં ૨૦ ટકાનો ધરખમ વધારો થઈ શકે છે. ટૂંકમાં ચીન સાથે સંબંધ બગાડવાથી ભારતના વેપાર-ધંધા અને ઉદ્યોગોમાં એક મોટો અવરોધ ઊભો થઈ શકે છે અને જેમ કે એકવાર વડાપ્રધાને ખુદ કહ્યું હતું કે, વેપાર તેમના લોહીમાં વહે છે, તો જરૂર તેમની અંદર રહેલા વેપારીએ જ સરહદે સ્થિતિ શાંત પાડવાનો અભિગમ અપનાવ્યો હશે.