(એજન્સી) તા.૨પ
લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશની સંસ્કૃતિની ઝાંખી કરાવતો પ્રજાસત્તાક દિનની પરેડમાં રજૂ થનાર પ્રથમ ટેબ્લોએ વિવાદ છેડ્યો છે અને કારગિલ જિલ્લાની નેતાગીરીએ એવો આક્ષેપ કર્યો છે કે સ્થાનિક પ્રશાસને પક્ષપાતી રજૂઆત કરી છે અને આ ટેબ્લોમાં કારગિલની ધાર્મિક અને સાંસ્કૃતિક વીરાસતની ઉપેક્ષા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૩૧, ઓક્ટો ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યમાંથી લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં બૌદ્ધોના વર્ચસ્વવાળા લેહ જિલ્લા અને મુસ્લિમોની બહુમતી ધરાવતા કારગિલ જિલ્લાનો સમાવેશ થાય છે. કારગિલ જિલ્લાની નેતાગીરીએ ટેબ્લોમાં તેમની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતની ઉપેક્ષા કરવા બદલ કેન્દ્રશાસિત પ્રશાસન સામે બાંયો ચડાવી છે. તેમણે ફરિયાદ કરી છે કે લેહ જિલ્લાની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવવા સામે તેમને વાંધો નથી, પરંતુ કારગિલ જિલ્લામાં તેમની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતની અવગણના સામે તેમને વાંધો છે. આ જિલ્લાના અગ્રણી સામાજિક કર્મશીલ સજ્જાદ કારગીલીએ જણાવ્યું હતું કે લદ્દાખ ટેબ્લોનું સ્વરુપ પક્ષપાતી છે અને કોઇ ચોક્કસ ઓળખનું પ્રતિનિધિત્વ કરે છે. ટેબ્લોમાં કારગિલની મુસ્લિમ, ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસત માટે કેમ કોઇ તરફેણમાં નથી ? ટેબ્લોમાં જે કંઇ બતાવવામાં આવ્યું છે તેની સામે અમને વાંધો નથી, પરંતુ પ્રશાસનના પક્ષે કારગિલની ઓળખને ભુંસી કાઢવાનો આ ઇરાદાપૂર્વકને પ્રયાસ છે એવો તેમણે આક્ષેપ કરીને માગણી કરી છે કે ટેબ્લો કાં તો રદ કરવામાં આવે અથવા તો તેમાં સુધારા કરવામાં આવે. લદ્દાખ ઓટોનોમસ હીલ ડેવલપમેન્ટ કાઉન્સિલના મુખ્ય એક્ઝિક્યુટીવ કાઉન્સિલર ફિરોઝ અહેમદખાને ટેબ્લોમાં જિલ્લાની ધાર્મિક-સાંસ્કૃતિક વિરાસતની ઉપેક્ષા કરવા બદલ પોતાનો આક્રોશ વ્યક્ત કરતો એક પત્ર લેફ.ગવર્નર આર કે માથુરને લખ્યો છે. આમ પ્રજાસત્તાક દિને લદ્દાખની ઝાંખી કરાવતાં પ્રથમ ટેબ્લોના મામલે વિવાદ છેડાયો છે અને કારગિલની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતની ઉપેક્ષા કરવાનો આક્ષેપ થયો છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં બૌદ્ધના વર્ચસ્વવાળા લેહ જિલ્લા અને મુસ્લિમોની બહુમતી ધરાવતા કારગિલ જિલ્લાનો સમાવેશ થાય છે. કારગિલની નેતાગીરીએ એવો આક્ષેપ કર્યો છે કે કારગિલની ઓળખ ભુંસી કાઢવાનો આ એક ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે.