(એજન્સી) લદ્દાખ, તા.૧૯
કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના એક સમગ્ર પ્રદેશને જ અલગ કરી દેવામાં આવ્યો છે. જિલ્લા પ્રશાસનના નિર્દેશ પર કારગિલ સાંકુ ક્ષેત્ર અને આસપાસના ગામોને અલગ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આ ક્ષેત્રમાં કોવિડ-૧૯નો એક પોઝિટિવ કેસ બહાર આવ્યા બાદ સાવચેતીરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ક્ષેત્રમાં કોવિડ-૧૯ના ઘણા શંકાસ્પદ હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને તેમના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. લદ્દાખમાં અત્યાર સુધી ૮ પોઝિટિવ કેસ બહાર આવ્યા છે. કારગિલના જિલ્લા અધિકારી દ્વારા જારી કરવામાં આવેલા એક સત્તાવાર આદેશમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસનો ચેપ ફેલાતા રોકવા, દર્દીઓની સંખ્યા અને મૃત્યુ દર ઘટાડવાના ઉદ્દેશ સાથે ક્ષેત્રને અલગ દેખરેખ હેઠળ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે પ્રશાસને ચેપ ફેલાતા અટકાવવા માટે ઘણા પગલાં ભર્યા છે. તેમાં સ્કૂલ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો સમાવેશ થાય છે. દરમિયા, ધાર્મિક સંગઠન ‘અંજુમન જમીયત ઉલેમા ઇસના અશરિયા કારગિલ, લદ્દાખ’એ વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને કારગિલમાં મસ્જિદમાં શુક્રવાર અને અન્ય દિવસોએ પઢવામાં આવતી નમાઝને પણ સ્થગિત કરી દીધી છે. કારગિલમાં પહેલી વાર આવું થયું છે.