(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
ચીનની સેના સામે ભારતના ૨૦ જવાનો શહીદ થયા બાદ લદ્દાખમાં એલએસી પર તંગદિલી વધતી જાય છે. આ દરમિયાન હવે ચીને સ્પષ્ટતા કરી દીધી છે કે, તેનો હાલ પાછળ હટવાનો કોઇ ઇરાદો નથી. અહેવાલો અનુસાર ચીને લદ્દાખમાં પેંગોંગ ત્સો વિસ્તારમાં પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. ચીને વિવાદિત વિસ્તાર ફિંગર-૪ પર એક હેલિપેડનું નિર્માણ કરી લીધું છે અને સાથે જ પોતાના સૈનિકોની તૈનાતી પણ વધારી દીધી છે. એક અધિકારીએ સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વાત સાચી છે કે, પેંગોંગ ત્સો લેકના ઉત્તરી વિસ્તારમાં પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે જે આ વિસ્તારમાં છેલ્લા આઠ અઠવાડિયાથી કરાયેલા નિર્માણમાં વધારો કર્યો છે. અધિકારીઓએ એમ પણ જણાવ્યું કે, ચીનની સેના હવે ફિંગર-૩ની ટોચ સુધી પેટ્રોલિંગ કરી રહી છે. આ રીતે તેઓ ભારતને ફિંગર-૨ સુધી સીમિત રાખવા માગે છે. એક અન્ય અધિકારી અનુસાર ચીન અમને બતાવી રહ્યું છે કે, તેમને પાછળ હટવા અથવા એપ્રિલની પહેલાની સ્થિતિ જાળવી રાખવાની કોઇ ઇચ્છા નથી. આ જ કારણે તેઓ પેંગોંગ ત્સોમાં પાછળ હટવાની કોઇ પણ વાતચીતમાં રસ દાખવી રહ્યું નથી.