(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૬
લદ્દાખની સરહદે ગલવાન વેલીમાં સોમવારે રાત્રે ચીનના સૈનિકો સાથે હિંસક અથડામણમાં ભારતના ૨૦ જવાન શહીદ થયા હોવાની વાતને સરકારી સૂત્રોએ સમર્થન આપ્યું છે. આ અથડામણ છેલ્લા ૪૫ વર્ષમાં સૌથી ભયાનક હોવાનું માનવામાં આવે છે કારણ કે, ભારત અને ચીન સરહદ પર આ વર્ષો દરમિયાન એક પણ સૈનિકનું અથડામણમાં મોત થયું નથી. કેટલાક સમયથી બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓની બેઠકો દરમિયાન સરહદે બંને દેશોના સૈનિકોનો ખડકલો ઓછો કરવાની પ્રક્રિયા દરમિયાન આ અથડામણ થઇ હતી. સરકારી સૂત્રો અનુસાર આ અથડામણમાં ચીનના પણ ૪૩ સૈનિકો માર્યા ગયા છે અથવા ગંભીર રીતે ઘવાયા છે. ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરીને કહ્યું છે કે, યથાસ્થિતિ બદલવાના ચીનના એકતરફી પ્રયાસને કારણે હિંસક અથડામણ થઇ હતી. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, નુકસાનને ટાળી શકાયું હોત. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, તંગદિલી ઘટાડવા માટે વાતચીત ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૬૨માં થયેલા યુદ્ધ બાદ ભારત અને ચીન વચ્ચે ૧૯૭૫માં પ્રથમ લડાઇ થઇ હતી. ત્યારબાદ અહીં કોઇ હિંસા થઇ ન હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે બેઠકો કરી હતી જેઓ ચીફ ઓફ સ્ટાફ બિપિન રાવત અને સેનાની ત્રણેય પાંખના વડાઓ સાથે બેઠક કરી ચૂક્યા હતા.
આ અંગે મહત્વના મુદ્દા
૧. ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરીને કહ્યું છે કે, યથાસ્થિતિ બદલવાના ચીનના એકતરફી પ્રયાસને કારણે હિંસક અથડામણ થઇ હતી. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, નુકસાનને ટાળી શકાયું હોત. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, તંગદિલી ઘટાડવા માટે વાતચીત ચાલુ છે. અથડામણમાં બંને પક્ષોને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે ચીને એકમેકની સહમતીનું સન્માન નથી કર્યું. અમે શાંતિ માટે પ્રતિબદ્ધ છીએ પરંતુ અમારૂં સાર્વભૌમત્વ જાળવી રાખીશું.
૨. ભારતીય સેનાએ ત્રણ જવાનોની શહીદ થવાની પુષ્ટી કરી છે જેમાં બિહાર રેજિમેન્ટના કર્નલ સંતોષ બાબુ, હલવિંદર પલાની અને સિપાહી ઓઝાનો સમાવેશ થાય છે. સેનાએ કહ્યું કે, બંને બાજુએથી સૈનિકો ઓછા કરવાની પ્રક્રિયા દરમિયાન સૈનિકો સામ-સામે આવી ગયા હતા અને બંને બાજુએ જવાનો માર્યા ગયા હતા.
૩. સેનાએ જણાવ્યું કે, સૈનિકો ગોળીથી નહીં પરંતુ શારીરિક મારામારી અને પથ્થરમારો તથા લોખંડના તારવાળા સળિયાના મારથી ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભારતીય વિસ્તારમાં થયેલી અથડામણમાં કોઇ ફાયરિંગ થયું નથી. આ સામ-સામેની અથડામણ હતી.
૪. આ અથડામણ ત્યારે થઇ જ્યારે ચીન બાજુએથી સૈનિકો હટાવવા માટે સહમતી સધાઇ હતી અને પ્રક્રિયા ચાલુ હતી. કર્નલને પથ્થરોથી મારવાના અહેવાલ છે અને ભારતીય સેનાએ તેનો જવાબ આપ્યો હતો. જે બાદ કેટલાક કલાકો સુધી આ લડાઇ ચાલી હતી. આ લડાઇ સોમવારે મોડી રાતે થઇ હતી.
૫. ચીનના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સ દ્વારા તેના સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો કરાયો હતો. ગ્લોબલ ટાઇમ્સના એડિટર હુ શિજીને ટિ્‌વટમાં કહ્યું કે, મને જાણ છે ત્યાં સુધી ગલવાન વેલીમાં શારીરિક અથડામણમાં ચીન બાજુએ પણ મૃત્યુ થયા છે. ચીન ભારત સાથે લડાઇ ઇચ્છતું નથી પરંતુ આનાથી ડરતું નથી.
૬. આક્રમક નિવેદનમાં બેઇજિંગે ભારત પર સરહદ પાર કરવાનો આરોપ લગાવ્યો હતો અને ચીનના સૈનિકો પર હુમલો કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, જો ભારત એકતરફી પગલું ભરશે તો આ પ્રકારની મુશ્કેલીઓનો સામે આવશે. ચીને આરોપ લગાવ્યો કે, ભારતના સૈનિકો સરહદ પાર કરીને ઉશ્કેરણી કરી હતી અને ચીની સૈનિકો પર હુમલો કર્યો હતો.
૭. છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારત અને ચીનની ૩૪૮૮ કિલોમીટરની સરહદ પર બંને દેશોના સૈનિકો વચ્ચે તંગદિલી ચાલી રહી હતી જોકે, ચીને અહીં પોતાના વધારાના સૈનિકો ખડક્યા હતા.૧૯૬૨માં ચીને કરેલા હુમલાની સાક્ષી બનેલી ગલવાન નદીની સરહદ પર જ આ ઘટના બની હતી.
૮. ભૂતાન, નેપાળ અને ચીનની સરહદે આવેલા ભારતીય રાજ્ય સિક્કીમના નાકુ લા ખાતે લાકડીઓ અને પથ્થરમારાની ઘટના ૯મી મેએ બની હતી.
૯. પેંગોંગ લેકના કિનારે પેટ્રોલિંગ કરનારા સૈૈનિકોના સામ-સામે આવવાના અઠવાડિયાઓ બાદ થયેલી અથડામણમાં અનેક સૈનિકો ઘાયલ થયા હતા. ત્યારબાદ બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે બેઠકો શરૂ થઇ હતી. ચીને સૈનિકો હટાવ્યા બાદ ભારતની બાજુએથી પણ સૈનિકો હટાવવાની કાર્યવાહી કરાઇ હતી.
૧૦. ભારતીય સૂત્રોને ટાંકતા આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીએ જણાવ્યું કે, ગલવાન વેલીના કેટલાક ભાગોમાં હજુ પણ ચીનના સૈનિકો મોજૂદ છે અને પેંગોંગ ક્ષેત્રમાં પણ તેમની હાજરી વર્તાઇ રહી છે.
૧૧. રાજદ્વારીઓએ કહ્યું હતું કે, માર્ગો અને હવાઇ પટ્ટી બનાવવાના ભારતના કામથી ચીન નારાજ હતું. ભારતે અહીં કનેક્ટિવિટી વધારવાનું કામ ચાલુ રાખ્યું હતું અને ૨૦૨૨ સુધી ચીનની સરહદે ૬૬ માર્ગો બનાવવાનું નિર્ધારિત હતું. આમાંથી એક રોડ ગલવાન વેલી પાસે હતો જે દોલતબેગ ઓલ્ડી એરબેઝને જોડતું હતું.

ચીને ગંભીર શારીરિક સંઘર્ષ શરૂ કરવા ભારતને
જવાબદાર ઠેરવ્યું : જો કે વિગત અંગે મૌન

ચીને મંગળવારે આરોપ લગાવ્યો હતો કે, બંને દેશો વચ્ચે જારી તંગદિલીને ઘટાડવા યોજાયેલી સરહદ બેઠક બાદ ભારતીય સેનાએ ઉશ્કેરણી કરી હતી અને ચીનના સૈનિકો પર હુમલો કર્યો હતો, જે બંને દેશોને શારીરિક સંઘર્ષ તરફ દોરી જશે. ૧૯૭પ બાદથી પીએલએ સાથેના સંઘર્ષમાં ભારતીય સેનાની આ પ્રથમ જાનહાનિ છે, ૧૯૭પમાં અરૂણાચલ પ્રદેશમાં ચીની દળોએ પેટ્રોલિંગ કરી રહેલા ભારતીય દળો પર હુમલો કર્યો હતો. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે ગ્વાલન ખીણના મુદ્દે જારી તણાવને ઘટાડવા યોજાયેલી બેઠક સમયે ભારતીય સૈનિકો પર હુમલાની ઘટના બની હતી. બંને તરફના સૈન્ય અધિકારીઓ હાલ સ્થિતિને થાળે પાડવામાં વ્યસ્ત છે. એવા સંકેતો આપ્યા હતા કે સ્થિતિને યોગ્ય બનાવવા હાલ પ્રયાસો જારી છે. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય સૈનિકો સામ-સામે ગોળીબારમાં મૃત્યુ પામ્યા હોવા અંગે તેમને કોઈ માહિતી નથી તેમજ ચીન તરફે પણ શું જાનહાનિ થઈ છે તે અંગે કોઈ વિગત નથી. પૂર્વ લદ્દાખમાં લાઈન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ નજીક ચીનના અને ભારતના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. હાલની સ્થિતિ અંગે પૂછાયેલા પ્રશ્ન મામલે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ઝહાએ લિજિઅને જણાવ્યું હતું કે, તેમને જાનહાનિ અંગે કોઈ માહિતી નથી, હાલ ભારત-ચીન સરહદે તંગદિલી ઘટાડવાના પ્રયાસો જારી છે બંને દેશો સૈનિક અધિકારીઓ અને રાજદ્વારીઓ દ્વારા એક બીજાના સંપર્કમાં છે.

યથાસ્થિતિ બદલવાના ચીનના એકતરફી પ્રયાસને કારણે હિંસક સંઘર્ષ થયો : વિદેશ મંત્રાલય

લદ્દાખમાં ચીનની સેના સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતીય સેનાના કર્નલ ઉપરાંત બે જવાન શહીદ થયા છે. ચીન સાથે તંગદિલી વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરીને કહ્યું છે કે, યથાસ્થિતિ બદલવાના ચીનના એકતરફી પ્રયાસને કારણે હિંસક અથડામણ થઇ હતી. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, નુકસાનને ટાળી શકાયું હોત. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, તંગદિલી ઘટાડવા માટે વાતચીત ચાલુ છે. અથડામણમાં બંને પક્ષોને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે ચીને એકમેકની સહમતીનું સન્માન નથી કર્યું. અમે શાંતિ માટે પ્રતિબદ્ધ છીએ પરંતુ અમારૂં સાર્વભૌમત્વ જાળવી રાખીશું. વિદેશ મંત્રાલયે કહ્યું કે, જો ઉચ્ચ સ્તરે ચીન દ્વારા સતર્કતાપૂર્ણ વલણ અપનાવાયું હોત તો બંને પક્ષો તરફથી નુકસાન થયું ન હોત. ૧૫મી જૂનની મોડી સાંજ અને રાતે યથાસ્થિતિમાં પરિવર્તન કરવાના ચીનના એકતરફી પ્રયાસને પગલે હિંસક અથડામણ થઇ હતી. બીજી તરફ ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, જો ભારત એકતરફી પગલું ભરશે તો આ પ્રકારની મુશ્કેલીઓનો સામે આવશે.

ચીનની સેના સાથે સંઘર્ષમાં ભારતીય સૈન્ય અધિકારી અને બે જવાનોનાં મોતને કોંગ્રેસે ‘આઘાતજનક’ ગણાવ્યું

ચીનની સેના સાથે હિંસક સંઘર્ષમાં એક ભારતીય અધિકારી અને બે જવાનોની શહીદીને કોંગ્રેસે આઘાતજનક અને સાંખી ના લેવાય તેવી ગણાવી હતી અને જણાવ્યું હતું કે, આ બાબતની સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પુષ્ટી કરે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટિ્‌વટ કરીને જણાવ્યું કે, આઘાતજનક, માનવામાં ન આવે તેવું અને સાંખી ન લેવાય તેવું, શું સંરક્ષણ મંત્રી આ અંગે સ્પષ્ટતા કરશે. ભારતીય સેનાએ મંગળવારે જણાવ્યું હતું કે, સોમવારની રાતે લદ્દાખમાં આવેલી ગલવાન વેલીમાં ચીનના સૈનિકો સાથે ઘર્ષણ દરમિયાન એક આર્મી અધિકારી અને બે જવાન શહીદ થયા છે. તેમણે ઉમેર્યું હતું કે, તંગદિલીને ઓછી કરવા માટે ગલવાન વેલીમાં બંને તરફના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ બેઠકો કરી રહ્યા છે. છેલ્લા પાંચ અઠવાડિયાથી ગલવાન ખીણમાં ભારત તથા ચીનના સૈનિકોનો જમાવડો થઇ રહ્યો છે અને તેમને પાછા ખસેડવાની કવાયત ચાલી રહી હતી તે સમયે જ આ ઘટના બની હતી.

ચીન સામે બદલો લે મોદી સરકાર
ઃ કોંગ્રેસ નેતા અધીર રંજન

લદાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના ત્રણ જવાન શહીદ થઈ ગયા છે. આ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધિર રંજન ચૌધરીએ કેન્દ્રની મોદી સરકારને કાર્યવાહી કરવાની માંગ કરી છે. અધીર રંજને કહ્યું કે, ચીનને આપણા જવાનોને આ રીતે મારવાનો કોઈ અધિકાર નથી. ચીની સૈનિકોનો આ પ્રકારનો વ્યવહાર ચલાવી નહીં લેવાય અધીર રંજને કહ્યું કે, “પીએમ મોદીને મારી વિનંતી છે કે, ભારત ચીન સાથે બદલો લે, જેથી ચીન બીજી વખત આપણા પર હુમલો કરવાની હિંમત ના કરે. અમે બદલો લેવાની માંગ કરીએ છે. તેમણે આપણી ફૌજ પર ગોળી ચલાવી છે. તેનો બદલો લેવો જોઈએ.