(એજન્સી) તા.૧૮
ચીનની કંપની સાથેના કોન્ટ્રાક્ટને રદ કરવાની જાહેરાત કરવા સાથે ભારતીય રેલ્વે હેઠળ આવતાં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (DFCCIL)એ કહ્યું હતું કે, ચીનની આ કંપનીએ છેલ્લા ૪ વર્ષમાં ફક્ત ૨૦ ટકા જેટલું જ કામ કર્યું હોઇ તેના કોન્ટ્રાક્ટને ચાલુ રાખી શકાય તેમ નહોતો. ઉલ્લેખનીય છે કે, ગત સોમવારે લદ્દાખમાં આવેલ ગલવાન ખીણ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝપાઝપીમાં ભારતના ૨૦ જવાનો શહીદ થવાના સમાચાર આવ્યા છે ત્યારથી સમગ્ર દેશભરમાં ચીનની કંપનીઓ, ચીનના માલ-સામાન અને ચીનના સૈનિકો પ્રત્યે ભારે જનઆક્રોશ ભભૂકી ઉઠ્યો છે અને ચારોબાજુએ તમામ મોરચે ચીનનો બહિષ્કાર કરવાની પ્રચંડ લોકલાગણી ભડકી ઉઠી છે. જો કે પ્રચંડ લોકજુવાળને જોતાં કેન્દ્ર સરકારે પણ લોકલાગણીમાં પોતાનો સૂર પૂરાવતા તેના ભારત સંચાર નિગમ અને મહાનગર ટેલિફોન નિગમ જેવા જાહેર સાહસોને તાકીદ કરી દીધી હતી કે તેઓએ તેમના ૪-જી નેટવર્કના અપગ્રેડેશનની પ્રક્રિયામાં કોઇપણ સંજોગોમાં ચીનના માલ-સામાનનો ઉપયોગ કરવો નહીં. તે ઉપરાંત રેલ્વેએ પણ ચીનની કંપનીનો રૂા. ૪૭૦ કરોડનો પ્રોજેક્ટ રદી કરી દીધો હતો. ભારતીય રેલવેના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (DFCCIL)એ બીજિંગ નેશનલ રેલવે રિસર્ચ એન્ડ ડિઝાઈન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિગ્નલ એન્ડ કમ્યુનિકેશન ગ્રુપ કો. લિ.ની સાથે ૪૭૦ કરોડ રૂપિયાનો કરાર રદ કરી દીધો છે. પ્રોજેક્ટમાં કાનપુર અને દીન દયાલ ઉપાધ્યાય રેલવે સ્ટેશનની વચ્ચે ૪૧૭ કિમીમાં સિગ્નલિંગ-ટેલિકોમ્યુનિકેશનની સુવિધા આ ઉભી કરવાની કરવાની હતી. આ પ્રોજેક્ટ ચીની કંપનીને આપવામાં આવ્યો હતો. જેનો કુલ ખર્ચ ૪૭૦ કરોડ જેટલો હતો. જો કે રેલવે વિભાગે આ પ્રોજેક્ટના કરારને જ રદ કરી દીધો છે.