(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
ભારતે ચીન સાથે જોડાયેલી ૩,૪૮૮ કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી) પાસે પોતાની તાકાત વધારવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે ચીન વાસ્તવિક નિયંત્રણ રેખાની બીજી તરફ સતત સૈન્ય નિર્માણ કરી રહ્યું છે અને સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે. માત્ર ભારતીય સેના જ નહીં પરંતુ ભારત-તિબેટ સરહદ પોલીસે પણ પોતાની ચોકીઓ પર જરૂરી સામાન અને જવાનોની તહેનાતી વધારી દીધી છે. સેનાની મદદ માટે આઇટીબીપીની વધારાની કંપનીઓ તહેનાત કરવાનો નિર્ણય ત્યારે લેવાયો હતો જ્યારે જનરલ સૈન્ય ઓપરેશનના નિર્દેશક લેફ્ટેનેન્ટ જનરલ પરમજીતસિંહ અને આઇટીબીપીના પ્રમુખ એસએસ દેસવાલે લેહની મુલાકાત લીધી હતી. લદ્દાખના ઉત્તરમાં આવેલા ગલવાન ખીણમાં સૈન્ય મુઠભેદ બાદ ભારત અને ચીન વચ્ચે સ્થિતિ તણાવપૂર્ણ થઇ ચૂકી છે. સરહદ પર સેનાની હાજરી ઘટાડવાની વાતચીતની વચ્ચે પૂર્વ લદ્દાખમાં દૌલત બેગ ઓલ્ડીમાં ચીન સૈન્યનો જમાવડો કરી રહ્યો છે. છેલ્લાં કેટલાંક દિવસથી ચીન ગલવાન ઘાટી પર દાવો કરી રહ્યું છે પરંતુ ભારત તેને એવો દાવો બતાવી રહ્યું છે કે જેમાં કોઇ તથ્ય જ નથી. ચીનની લઇને રોજ નવા કાવતરાનો પર્દાફાશ થઇ રહ્યો છે. તણાવ ઓછો કરવા માટે ભારતની તરફથી વાતચીતનો ક્રમ ચાલુ છે, ત્યાં ચીને સૈન્ય અને કૂટનીતિક વાર્તા કરવાની સાથે પૂર્વ લદ્દાખમાં પેંગોંગ ત્સો, ગલવાન ઘાટી અને અન્ય ટકરાવવાળા વિસ્તારમાં પોતાની સૈન્ય હાજરી પણ વધારી રહ્યું છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું છે કે, ગલવાન ખીણમાં અથડામણની ઘટના પહેલા અમે કેટલાક સૈનિક લદ્દાખમાં મોકલ્યા હતા અને હવે અમે જવાનોની સંખ્યામાં વધારો કરી રહ્યા છીએ. તેમના અનુસાર આ નિર્ણય સેનાની પેટ્રોલિંગમાં મદદ માટે લેવાયો છે. આથી પ્લાટૂનની જગ્યાએ કંપની મોકલાઇ છે. પ્લાટૂનમાં ૩૦ જવાન હોય છે જ્યારે કંપનીમાં ૧૦૦ જવાન હોય છે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સુધી પહોંચેલા રિપોર્ટ અનુસાર સોમવારે સંપન્ન થયેલી વાતચીત છતાં ગલવાન ખીણ, હોટ સ્પ્રિંગ અને પેંગોંગ લેકમાં સ્થિતિ હજુ પણ તંગદિલીભરી છે. ભારત ઇચ્છે છે કે, ૩૦ એપ્રિલે જે સ્થિતિ હતી તે બહાલ થાય. મોલ્દોમાં થયેલી વાતચીત અનુસાર બંને પક્ષોએ પોતાના મતો રજૂ કર્યા હતા.સૂત્રો અનુસાર બંને પક્ષો ઇચ્છે છે કે, ગલવાન અને ગોગરામાં પેટ્રોલ પોઇન્ટ ૧૪,૧૫ અને ૧૭ પર સૈનિકોની સંખ્યા ઓછી કરવામાં આવે. સૂત્રો અનુસાર પેટ્રોલ પોઇન્ટ ૧૪(ગલવાન), પેટ્રોલિંગ પોઇન્ટ ૧૫(કોંગ્કા લા) અને પેટ્રોલિંગ પોઇન્ટ ૧૭(હોટ સ્પ્રિંગ)ને લઇ વાતચીતમાં અનેક અઠવાડિયા લાગી શકે છે.