કર્ણાટકના ગૃહ પ્રધાન બાસવરાજ બોમ્મઇએ જણાવ્યું હતું કે તેમની સરકાર લગ્ન માટે ધર્માંતરણ કરવા સામે કાયદો લાવાવનું વિચારી રહી છે

(એજન્સી) તા.૭
ભારતમાં વર્તમાન કાયદા હેઠળ લવજેહાદની કોઇ વ્યાખ્યા નથી એવું ફેબ્રુ.માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હોવા છતાં ભાજપ શાસિત કેટલાય રાજ્યો હવે લવ જેહાદને અટકાવવા માટે કાયદો ઘડવાનું સક્રિય અને ગંભીર રીતે વિચારી રહ્યાં છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન બી એસ યેદિયુરપ્પાએ એવો આક્ષેપ કર્યો હતો કે લવ જેહાદના નામે ધર્માંતરણ ચાલે છે. તેઓ આવું કહેનારા ભાજપના એક વધુ મુખ્ય પ્રધાન છે. તાજેતરના દિવસોમાં કર્ણાટકમાં લવજેહાદના નામે થતાં ધર્માંતરણના અહેવાલો પ્રસિદ્ધ થયાં છે. મેં અહી ંંઆવતા પહેલા અધિકારીઓ સાથે તેની ચર્ચા કરી છે. અન્ય રાજ્યોએ શું કર્યુ કે શું નથી કર્યુ તે અલગ વાત છે. પરંતુ કર્ણાટકમાં લવજેહાદ પર પૂર્ણવિરામ મૂકવું પડશે એવું જણાવીને ૬, નવે.યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ સંદર્ભમાં ંકડક પગલાં લેશે. કર્ણાટકના ગૃહ પ્રધાન બાસવરાજ બોમ્મઇએ ૪, નવે. જણાવ્યું હતું કે કર્ણાટક સરકાર પણ હવે લગ્ન માટે કરાતાં ધર્માંતરણ સામે કાયદો લાવવાનું વિચારી રહેલ છે. આ અગાઉ આસામમાં પણ નાણા અને આરોગ્ય પ્રધાન હેમંતકુમાર વિશ્વશર્માએ જણાવ્યું હતું કે સરકાર છેતરપિંડીથી થતાં લગ્નો પર તવઇ લાવશે. ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ ૩૧, ઓક્ટો.ના રોજ જણાવ્યું હતું કે તેમની સરકાર લવજેહાદ સાથે કામ લેવા માટે કાયદો લાવશે અને જે લોકો પોતાની દીકરીઓ અને બહેનોના આદર કરતાં નથી તેમને રામ નામ સત્ય હૈ એવી ધમકી આપી હતી. હરિયાણા સરકાર પણ લવજેહાદ વિરુદ્ધ કાયદો લાવવાનું વિચારી રહી છે એવું ત્યાંના ગૃહ પ્રધાન અનિલ વિજે ૧, નવે. જણાવ્યું હતું. મ.પ્ર.ના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પણ ૨, નવે.ના રોજ જણાવ્યું હતું કે તેમની સરકાર રાજ્યમાં લવજેહાદને ડામવા માટે કાનૂની વ્યવસ્થા ગોઠવશે.