ઉત્તરપ્રદેશના કન્નૌજમાં નવા વિવાદિત ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળ બે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી. ધરપકડ કરાયેલા વ્યક્તિની ઓળખ મોહમ્મદ તૌફીક તરીકે થઈ હતી. તૌફીક પર આરોપ મૂકવામાં આવ્યો છે કે, તેણે ૨૯ વર્ષીય મહિલાને ફોસલાવીને તેનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું. સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ પ્રશાંત વર્માએ આ માહિતી આપી હતી. કન્નૌજમાં તેની વિરૂદ્ધ એફઆઈઆર નોંધી લેવામાં આવી હતી. આ ફરિયાદ યુવતીના પિતાએ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં યુવતીના પિતાએ આરોપ મૂક્યો કે, તૌફીકે તેમની દીકરીને ફસાવી હતી અને છૂપાવીને તેણે તેનું ધર્મપરિવર્તન કરાવી લીધું હતું. યુવતી સાથે લગ્ન કરતા પહેલાં તેણે પોતાના ધર્મ વિશે માહિતી છૂપાવીને દીકરીને ફસાવી હતી. લગ્ન બાદ તેને બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરવા દબાણ કર્યું હતું. એસ.પી.પ્રશાંત વર્માએ કહ્યું કે, ઉત્તરપ્રદેશ પ્રોહિબિશન ઓફ અનલોફૂલ કન્વર્ઝન ઓફ રિલિજિયન ઓર્ડિનન્સ ૨૦૨૦ હેઠળ તો તેની સામે કાર્યવાહી કરવામાં આવી જ છે. પરંતુ તેની સાથે-સાથે છેતરપિંડી કરવા બદલ આઈપીસીની ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તૌફીક પર આરોપ છે કે, તેણે યુવતી સાથે રાહુલ બનીને મિત્રતા કેળવી હતી.