(સંવાદદાતા દ્વારા) હિંમતનગર, તા.પ
હિંમતનગર નગરપાલિકાના અજમાયશી ચીફ ઓફિસર તથા બાંધકામ અને ટાઉનપ્લાનિંગ વિભાગના એન્જીનિયર એક કોન્ટ્રાક્ટર પાસેથી લાખો રૂપિયાની લાંચ લેતા રવિવારે અમદાવાદ ખાતે લાંચ રૂશવત બ્યુરો દ્વારા ગોઠવાયેલા છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયા બાદ સોમવારે હિંમતનગર નગરપાલિકામાં સોપો પડી ગયો છે. દરમ્યાન આ બંને જણાને સોમવારે અમદાવાદની કોર્ટમાં રજૂ કરતા ન્યાયાધીશો બંનેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બે માસ અગાઉ ખેડા જિલ્લાના મહેમદાબાદ નગરપાલિકામાંથી બદલી થઈને હિંમતનગર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા આશિષભાઈ દરજીએ પાલિકાનો ચાર્જ સાંભળ્યો હતો. તો બીજી તરફ નગરપાલિકાના બાંધકામ અને ટાઉન પ્લાનિંગ વિભાગમાં એન્જીનિયર તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશભાઈ ગોર વર્ષોથી ફરજ બજાવતા હોવાથી તેઓ મોટાભાગના લોકોથી વાકેફ હતા.
દરમ્યાન ચીફ ઓફિસર અને એન્જીનિયરની મીલીભગતને લઈને ટાઉન હોલનું રિનોવેશન કરનાર એક એજન્સીના બિલો પાસ કરીને અગાઉ નક્કી કરેલ ટકાવારીની રકમ લેવા માટે રવિવારે આ બંને જણા અમદાવાદના થલતેજ વિસ્તારમાં ગયા હતા, જ્યાં બંને જણાએ રૂા.૩ લાખની વધુની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા ત્યારબાદ આ બંને જણાની વધુ તપાસ માટે તેમના અમદાવાદ સ્થિત નિવાસની તપાસ કરવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જણાવાયું છે તે પૈકી ચીફ ઓફિસરના બે દિવસના બે તથા એન્જીનિયરના એક દિવસના એમ મળી બંને જણાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થતા તેમને વધુ તપાસ માટે હિંમતનગર લાવવા તેમની માટેની તજવીજ હાથ ધરાઈ હતી.