(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩
વાપી ઇન્કમટેકસ વિભાગના કલાસ-૨ ઇન્કમટેક્સ ઓફિસર સામે રૂા.૧.૫૫ લાખની લાંચ માગવાના કેસમાં એસીબીએ ગુનો દાખલ કર્યો છે. ઓફીસરે ફરિયાદીને કેસમાં હેરાનગતિ નહીં કરવા રૂપિયા ૨ લાખની લાંચ માગી હતી. જેમાંથી રૂા.૧.પપ લાખની રકમ આપવા માટે એસીબીએ ચલા દમણ રોડ પર છટકું ગોઠવ્યું હતું. ઇન્કમટેક્સ ઓફિસરે રૂા.૧.૫૫ લાખ લઇ લીધા પછી છટકામાં સપડાયા હોવાનો ખ્યાલ આવતા ફિલ્મી ઢબે પૂરપાટ ઝડપે કાર ચલાવી ભાગી છુટયો હતો. એસીબીના એસઆઇએ કાર રોકવાની કોશિશ કરી તો કાર તેમના પગ પર ચઢાવીને ઇન્કમટેકસ અધિકારી ભાગી છુટયો હતો. એસીબીએ લાંચ અને આઇપીસી કલમ મુજબ ગુનો દાખલ કર્યો છે. વાપીમાં ફાયનાન્સનો ધંધો કરતા ફરિયાદીને ઇન્કમટેકસની નોટીસ મળી હતી જેના માટે હેરાનગતિ નહીં કરવા વાપી ઇન્કમટેકસ વિભાગના કલાસ- ૨ ઓફીસર રવિન્દ્ર શ્રવણકુમાર બોકડેએ ફરિયાદી પાસે રૂપિયા ૨ લાખની માંગણી કરી હતી. જે પૈકી રૂપિયા ૧.૫પ આપવાનું નક્કી થયું હતું. ફરિયાદીએ એસીબીને જાણ કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. શુક્રવારે ચલા દમણ રોડ પર આવેલા પ્રમુખ રેસિડન્સી સામે લાંચની રકમ આપવાનું નકકી થયું હતુ. ફરિયાદીએ રવિન્દ્ર બોકડેને લાંચની રકમ આપી દીધી હતી. પણ રવિન્દ્રને ખ્યાલ આવી ગયો હતો કે એસીબીનું છટકું ગોઠવાયું છે એટલે કારને પુરપાટ ઝડપે ભગાવીને ભાગી છુટયો હતો જેમાં એસીબીના એસઆઇના પગ પર પણ રવિન્દ્રએ કાર ચઢાવી દીધી હોવાનું જાણવા મળે છે.