(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
લાંબા સમય સુધી ચૂંટણી પંચના સલાહકાર રહી ચૂકેલા એસ.કે. મેંદીરત્તાએ સનસનાટીભર્યો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ૨૧ ધારાસભ્યો મામલે અને ગુજરાત, હિમાચલપ્રદેશ તથા કર્ણાટક વિધાનસભા ચૂંટણીઓની તારીખો મુદ્દે અને આપના ૨૧ ધારાસભ્યોને ગેરમાન્ય જાહેર કરવા રાષ્ટ્રપતિને ભલામણ મુદ્દે પંચે તેમની સલાહ સુધ્ધાં લીધી નહોતી. ૭૯ વર્ષના મેંદીરત્તાએ ૫૩ વર્ષ સુધી પંચને કાનુની સલાહકાર તરીકે સેવા આપી છે. મેંદીરત્તાના આ ખુલાસા બાદ આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા પંચ તરફથી વડાપ્રધાન કાર્યાલય(પીએમઓ) તરફથી સીધા નિર્દેશ લઇ કાર્ય કરવાનો આરોપ લગાવ્યો છે. મેંદીરત્તાએ જણાવ્યું હતું કે, આજ કારણસર મારે આજે જાહેરમાં આવવું પડ્યું છે. આપના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે, આપના ૨૦ ધારાસભ્યોના લાભના પદ મામલે સુનાવણી દરમિયાન પણ પાર્ટીએ પંચના વલણને પક્ષપાતભર્યો ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, લાંબા સમય સુધી ચૂંટણી પંચના કાનુની સલાહકાર રહેલા એસ.કે. મેંદીરત્તાએ ખુલાસો કર્યો છે કે, આપના ૨૦ ધારાસભ્યો મામલે અને ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર કરવા મુદ્દે પંચે તેમની સલાહ સુદ્ધાં લીધી નહોતી.
૭૯ વર્ષના મેંદીરત્તાએ ટોચના અંગ્રેજી સમાચાર એજન્સીને ઇન્ટરવ્યુ આપતા જણાવ્યું હતું કે, એ વાત સાચી છે કે, ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીના ૨૧ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવા મામલે સુનાવણી દરમિયાન અથવા રાષ્ટ્રપતિને ભલામણ મોકલતા પહેલા તેમની કોઇ સલાહ લીધી નહોતી અને તેમનો સંપર્ક પણ સાધ્યો નહોતો. તેમને તો આ અંગે કરેલી કાર્યવાહી અંગે કોઇ જાણકારી જ અપાઇ નહોતી. તેમણે કહ્યું કે, જો તેમની સલાહ લેવાઇ હોત તો તેઓ એમ જ કહેતા કે ધારાસભ્યોને એક તક આપવામાં કોઇ વાંધો નથી. પણ કોની સલાહ લેવી છે તે ચૂંટણી પંચનો વિશેષ અધિકાર છે. આ સાથે જ મેંદીરત્તાએ એમ પણ કહ્યું કે, ૨૧ ધારાસભ્યો ઉપરાંત ગુજરાત, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકની ચૂંટણીની તારીખો મામલે પર પણ ચૂંટણી પંચે તેમની સલાહ લીધી નહોતી. જોકે, આ પહેલા તમામ ચૂંટણીની તારીખો મુદ્દે મારી સલાહ લેવાઇ હતી.
મેંદીરત્તાના આ નિવેદનને આધાર બનાવી આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચની કાર્યશૈલી પર સવાલ ઊભા કરતા પંચ દ્વારા વડાપ્રધાન કાર્યાલયમાંથી સીધા નિર્દેશ લઇને કામ કરવાનો આરોપ લગાવ્યો છે. ભારદ્વાજે કહ્યું કે, ગુજરાત અને હિમાચલ પ્રદેશ ચૂંટણી કાર્યક્રમ જાહેર થવા અંગે કોંગ્રેસે પણ પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, તે સમયે પંચે ફક્ત હિમાચલ પ્રદેશની ચૂંટણીઓ જાહેર કરી હતી અને ગુજરાતની ચૂંટણીઓ જાહેર કરી નહોતી. ચૂંટણી પંચના આ નિર્ણયને પક્ષપાતભર્યો ગણાવવો ખોટું નથી. તેમણે એમ પણ કહ્યું કે, હવે તો સ્પષ્ટ થઇ ગયું છે કે, ચૂંટણી પંચને સીધા વડાપ્રધાનકાર્યાલયમાંથી સલાહ મળે છે. તેમણે મેંદીરત્તાના નિવેદન પરથી કહ્યું કે, ચૂંટણી પંચ નિષ્પક્ષતાથી કામ નથી કરી રહ્યું. પીએમઓમાંથી જ દિલ્હીની સરકારને અસ્થિર કરવાના પ્રયાસ થઇ રહ્યા છે.