(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૬
આણંદ તાલુકાના લાંભવેલ-કણજરી માર્ગ પર ગત રાત્રીના ૯ વાગ્યાના સુમારે મોટરસાયકલ પસાર થઈ રહેલા વલ્લભ વિદ્યાનગરના કાકા-ભત્રીજા વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા ઉશ્કેરાયેલા ભત્રીજાએ કાકા પર ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવાનો બનાવ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.
વલ્લભ વિદ્યાનગરમાં નાના બજારમાં ૪૨ ગામ પાટીદાર સમાજ છાત્રાલય પાછળ રહેતા પ્રેમજીભાઈ શંભુભાઈ ભાટીયા પોતાના ભત્રીજા જગદીશભાઈને લેવા માટે ભોજાભાઈનું મોટરસાયકલ લઈ સલુણ ગામે ગયા હતા. અને રાત્રીના ૯ વાગે પ્રેમજીભાઈ પોતાના ભત્રીજા જગદીશભાઈને પોતાની મોટરસાયકલ પાછળ બેસાડી સલુણથી વલ્લભ વિદ્યાનગર ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં જગદીશભાઈ અને પ્રેમજીભાઈ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થતા જગદીશ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પ્રેમજીભાઈ પર ચપ્પુના કરપીણ ઘા ઝીંકી ભાગી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતા જ આણંદ ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઈ આર. એન. ઘાસુરા સહિતનો પોલીસ સ્ટાફ નડિયાદની સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે શાંતિબેન પ્રેમજીભાઈ ભાટીયાની ફરિયાદના આધારે જગદીશભાઈ ભોજાભાઈ ભાટીયા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આજે બપોરે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેમના પરિવારજનોને સુપ્રત કર્યો હતો.હત્યારા ભત્રીજાની પોલીસે ધરપકડ કરી હતી.