બોડેલી, તા.૧પ
બોડેલી તાલુકાના નસવાડી રોડ પર ગોવિંદપુરા પાસે રેતીના સ્ટોક પાસે વીજ અધિકારીઓ લાઈન સિફ્ટીંગ કરવાની કામગીરી હાથ ધરતા ર૦ ગામોની વીજળી ખોરવાઈ ગઈ હતી. જેથી રોષે ભરાયેલા ૩૦૦ જેટલા ખેડૂતો ત્યાં એકત્ર થઈને હલ્લો બોલાવ્યો હતો. જેથી વીજ અધિકારીઓનો ઘેરાવ કરતા ડીપી સહિતનો સામાન સાથેનો ટેમ્પો છોડીને અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ છોડીને નાસી છૂટ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે આવીને મામલો થાળે પાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બોડેલી તાલુકાના લઢોદ વિસ્તારના ર૦ જેટલા ગામોમાં વાવાઝોડા દરમ્યાન વીજ પુરવઠો ખોરવાતા સ્વ ખર્ચે લાઈનનું સમારકામ ખેડૂતોએ હાથ ધર્યું હતું. બીજી તરફ બોડેલીની વીજ કચેરીએ ગોંવિદપુરા પાસે રેતીનો સ્ટોક કરનારાઓની સરભરા કરવા માટે સ્ટોક પાસેથી લાઈનસિફ્ટીંગની કામગીરી હાથ ધરી હતી. જેથી ર૦ જેટલા ગામનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો અને ખેડૂતોને માલુમ પડતા જ સ્થળ પર ઉમટી પડ્યા અને વીજ અધિકારીઓ અને કર્મચારીઓને ધક્કે ચઢાવ્યા હતા. ખેડૂતોનો રોષ પારખીને વીખ કર્મીઓ ડીપી અને સામાન ભરેલો ટેમ્પો સ્થળ પર છોડીને જતા રહ્યા હતા. ખેડૂતોનો હલ્લાબોલ જોઈને પોલીસને પણ બોલાવવી પડી હતી.
વીજ સિફ્ટીંગ કરવું હોય તો વીજ કચેરીના ધક્કા ખાળને લોકો થાકી જાય છે પણ રેતીના સ્ટોક માટે વીજ અધિકારીઓ તુરંત દોડી જતા તેઓની નિયત પણ ખેડૂતોએ શંકા વ્યક્ત કરી હતી.