જામનગર, તા.રર
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાખાબાવળ ગામ પાસે આજે સવારે અમદાવાદ જિલ્લાના કોટ ગામના નવ પદયાત્રીઓને ખાનગી ટ્રાવેલ્સની એક બસે ઠોકરે ચડાવ્યા હતા. બસની ઠોકરથી તે પદયાત્રીઓના સામાન સાથે જઈ રહેલું એક ટ્રેકટર રોડ નીચે ઉતરી ખેતરમાં ઘૂસ્યું હતું જ્યારે તેમાં આરામ કરતા એક વૃદ્ધનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાસ્થળે કણસતા આઠ વ્યક્તિઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે બસચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાખાબાવળ ગામ પાસે આજે સવારે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોટ ગામના નવેક જેટલા પદયાત્રીઓ ટ્રેકટર લઈને નીકળ્યા હતા.
ઉપરોક્ત પરિવારના માલસામાનને સાચવવા માટે સાથે રાખવામાં આવેલી જીજે-૧-એલક્યુ ૧૯૭૩ નંબરની ટ્રોલીમાં અચાનક જ પાછળથી પૂરઝડપે ધસી આવેલી જીજે-૬-એટી ૬૩૯૯ નંબરની વડોદરાના ભગત ટ્રાવેલ્સની બસ ઠાઠામાં ઘૂસી ગઈ હતી.
આ સમયે વૃદ્ધત્વના કારણે ટ્રેકટરમાં આરામ કરી રહેલા કાકુભાઈ કાનાભાઈ મુંધવા (ભરવાડ)ને ગંભીર ઈજા પહોંચી હતી. બસની જબરદસ્ત ટક્કરના કારણે રોડના કિનારા પર ચાલી રહેલું ટ્રેકટર સાઈડમાં ઉતરી એક ખેતરમાં ઘૂસી ગયું હતું.
પોલીસે સ્થળ પર પંચનામું કર્યા પછી મૃતક કાકુભાઈના મૃતદેહને પી.એમ. માટે ખસેડયો હતો અને તેમના પુત્રની ફરિયાદ પરથી બસચાલક સામે ગુન્હો નોંધ્યો છે.