હિંમતનગર, તા.૧
વિજયનગર તાલુકાના અભાપુર ગામે આવેલ લોકભારતી આશ્રમ શાળા તથા ઉ.બુ. આશ્રમ શાળાના મંડળમાં વર્ષોથી મંત્રી તરીકે ફરજ બજાવતા અને શ્રી વિમુક્ત જાતિ કલ્યાણ મંડળના પ્રમુખ ભાણા તથા અન્ય ત્રણ જણાએ પ્રમુખની જાણ બહાર સંસ્થાની વર્ષ ૧૯૯૪થી ૨૦૧૪ સુધીની લાખો રૂપિયાની ગ્રાન્ટ ચાઉં કરી જવા માટે આશ્રમ શાળા અધિકારીને વિશ્વાસમાં લઈ સરકાર પાસેથી ખોટી રીતે નાણાં પડાવી લેવાના કૌભાંડનો તાજેતરમાં પર્દાફાશ થતાં મામલો વિવાદના વંટોળમાં સંપડાયો છે. આ અંગે વિમુક્ત જાતિ કલ્યાણ મંડળના પ્રમુખ બી.એફ. વાઘેલાના જણાવ્યા મુજબ સામાજિક સંબંધે તેમના ભાણા થતાં દિલીપ મનસુખભાઈ ચૌધરીને આ મંડળમાં મંત્રી તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો હતો, પરંતુ તેમણે મામાની જાણ બહાર આશ્રમ શાળા અધિકારી ખેડબ્રહ્માને સંસ્થાની વાર્ષિક હિસાબી નિરીક્ષણ ગ્રાન્ટ પેટે ખોટા કાગળોને સાચા દસ્તાવેજ રજૂ કરીને અંદાજે રૂા.૯૪ લાખથી વધુની ગ્રાન્ટ મેળવવા માટે અરજી કરી હતી. બીજી તરફ આ અંગે મંડળના પ્રમુખ વાઘેલાને ખબર પડતા તેમને છુટા કરી દેવામાં આવ્યા હતા અને તે અંગે સરકારના સંલગ્ન વિભાગોમાં લેખિત જાણ પણ કરી દેવામાં આવી હતી. દિલીપભાઈ ચૌધરી લોકભારતી આશ્રમ શાળાના બેંકના ખાતામાંથી રૂા.૧૧ લાખ ઉઠાવી લઈ તેમાંથી અધિકારીને ભાગ આપી દીધો હોવાનો પ્રમુખે આક્ષેપ કર્યો છે. ઉપરાંત ગ્રાન્ટ પેટે તા.૫/૧૧/૧પ અને તે પછી જાણ કરીને રૂા.૯૪ લાખથી વધુની રકમમાં રપ ટકાની લેતી-દેતી હોવાનું જણાવ્યું હતું. જો કે, પ્રમુખે આ અંગે ચેરિટી કમિશનર અને અન્ય સંલગ્ન વિભાગમાં પોતાના સગા ભાણાની કરતૂતો અંગે જાણ કરીને તેમની સાથે કોઈ વ્યવહાર નહીં કરવા માટે તાકીદ કરી છે. જે આધારે ચેરિટી કમિશનરે પણ મંડળના આ નિર્ણયને માન્ય રાખ્યો હતો તથા દિલીપભાઈ ચૌધરી સહિત ત્રણેય જણા વિરૂદ્ધ હિંમતનગર કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જેનો ચુકાદો આવ્યો નથી.