(સંવાદદાતા દ્વારા) ભરૂચ,તા.ર૩
દહેજની ઓએનજીસી પેટ્રો ઓડિશન્સ લિમિટેડ કંપનીમાં બોગસ બેન્ક ગેરંટીના આધારે લાખોની ઠગાઈ કરવાના પ્રકરણમાં જયમીત રિયાલીટી પ્રાઈવેટ લિમિટેડના ભેજાબાઝ અનંત પટેલની આગોતરા જામની અરજી ભરૂચ સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી જો કે દહેજ મરીન પોલીસ હજુ સુધી તેને પકડી શકી નથી.
સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ સેઝ-૧મા આવેલ ઓપાલ કંપનીમાં ઈન્ફ્રાસ્ટ્રકચર અને મેઈન્ટેનન્સનો કરોડો રૂપિયાનો કોન્ટ્રાકટ જયમિત રિયાલીટી પ્રાઈવેટ લિમિટેડને એવોર્ડ કરાયો હતો. જેમાં કંપની વેરીફીકેશન દરમ્યાન જયમિત રિયાલીટીના ડાયરેકટર અનંત પટેલે રૂા.પ.૪૦ કરોડની ખોટી બોગસ બેન્ક ગેરંટી છે. ઈ.એમ.ડી. તરીકે રજૂ કરી હોવાનું ખુલવા પામ્યું હતું. ઉપરાંત અનુભવના ખોટા ઉપજાવી કાઢેલા સર્ટિફિકેટ પણ ટેન્ડરમાં સામેલ હોય આ અંગે ઓપાલના મેઈન્ટેનન્સ મેનેજર કરમાકર દ્વારા દહેજ પોલીસ મથકે અનંત પટેલ વિરૂધ્ધ ઈ.પી.કો. કલમ ૪ર૦,૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧ર૦-બી મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જો કે ફરિયાદને એક માસથી વધુનો સમયગાળો વીતિ જવા છતાં અનંત પટેલને મોટા નેતાઓનું રાજકીય પીઠબળ હોય પોલીસ આજદીન સુધી ખુલ્લેઆમ કરતા અનંત પટેલને પકડી શકી નથી. ત્યારે બીજી તરફ અનંત પટેલ દ્વારા ભરૂચ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી પોતે આ ગુનો નહીં આચર્યો હોવાનું તેમજ કંપનીના કન્સલ્ટન્ટ અશોકસિંહ નામના શખ્સે બોગસ કાગળ બનાવ્યા હોવાની કોર્ટ સમક્ષ રજુઆત કરી આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ સેશન્સ જજે અનંત પટેલની સમગ્ર દલિલોને ફગાવી દઈ આગોતરા જામીન ફગાવી દીધા હતા.