અમરેલી, તા.૧૧
લાઠીના ટોડા ગામ નજીક ગાંધીનગર દીવ રૂટની એસટી વોલ્વો બસ ખાળિયામાં ઉતરી જતાં ડ્રાઇવર અને બસના ૫ મુસાફરોને ઇજા થતાં સારવારમાં ખસડેલ હતા. એસટી સામે ટ્રક આવતા બસ સાઈડમાં લેવા જતાં બસ ખાળિયામાં ઉતરી ગઈ હતી. સદ્‌ભાગ્યે આ અકસ્માતમાં કોઈને મોટી જાનહાનિ સર્જાઈ ન હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર અમદાવાદ ડેપોની એસી બસ નં.જીજે-૦૭-વાયઝેડ-૬૦૬રની ગાંધીનગર દીવ રૂટનીએસી વોલ્વો બસ સોમવાર રાત્રીના અગિયાર વાગ્યેથી ઉપડી દીવ જવા નીકળી હતી અને આ બસ અમરેલીના જિલ્લાના ટોડા ગામ પાસે સવારે ૪ વાગ્યે પહોંચતા ટોડાથી એકાદ કિલોમીટર દૂર જતા સામેથી ટ્રક આવતા ગાંધીનગર દીવ એસટી બસના ડ્રાઇવર કનુજી અજમાલભાઇ ઠાકોરે બસ સાઈડમાં લેવા જતા બસ ખાળિયામાં ઉતરી જતા બસનો આગળનો કાચ તૂટી ગયો હતો અને ડ્રાઇવરને ઇજા થયેલ તેમજ બસમાં બેસેલ ૨૭ જેટલા મુસાફરોમાં દેકારો મચી ગયો હતો અને ૨૭ પૈકી ૫ મુસાફરોને નાની મોટી ઇજા થતાં અમરેલી સારવારમાં ખસડેલ હતા. ડ્રાઇવરને ઇજા થતાં અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ હતો.
બનાવ અંગે લાઠી પોલીસમાં બસના કંડક્ટર હિતેશ મનુભાઈ ડામોરે એસટીના ડ્રાઇવર કનુજી અજમાલભાઈ ઠાકોર સામે ફરિયાદ નોંધાવેલ હતી. સદ્‌નસીબે મોટી જાનહાનિ થતાં અટકી ગઈ હતી.