અમરેલી, તા.૭
અમરેલી ૧૦૮ની ઉમદા કામગીરી અમરેલી જિલ્લા ૧૦૮ દ્વારા લાઠી તાલુકાના મતિરાળા ગામમાં મજૂરી કરતાં પરપ્રાંતીય પ્રસુતાના બાળકને નવજીવન આ બનાવમાં લાઠી તાલુકાના મલીરાલા ગામે વાડી વિસ્તારમાં રહી મજૂરી કામ કરતાં પરપ્રાંતિય પ્રસુતા રામબાઈ બેન મુન્નાભાઈને ગત તારીખ : ૨૭/૦૬/૨૦૨૦ના બપોરના પ્રસુતિની પીડા ઉપડતાં નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ગયા હતા. ત્યાં ફરજ પર હાજર ડોક્ટર દ્વારા પ્રાથમિક તપાસ કરતાં બહેનને વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં લઇ જવા માટે ૧૦૮માં કોલ કરેલ હતો. અમરેલી ૧૦૮ એમ્બ્યુલન્સ અમરેલીથી મતિરાલા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પહોંચી રામ બાઈ બેનની તપાસ કરતા બહેનને પ્રસુતિની પીડા વધારે થતાં સ્થળ પર જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી. બાળકની તપાસ કરતા નવજાત બાળકના ધબકારા બંધ હતા, તથા બાળક હલન ચલન કરતું ન હતું તથા બાળક રડ્યું પણ ન હતું, આ નવજાત બાળકની જીંદગી બચાવવા માટે ઇએમટી સાગર મકવાણા તથા પાયલોટ યોગેશભાઈ વૈદ્ય સમય સૂચકતા વાપરી અને પળનો પણ વિલંબ કર્યા વગર કૃત્રિમ શ્વાસની સારવાર શરૂ કરી તથા છાતી પર દબાણ આપી નવજાત બાળકનો અમૂલ્ય જીવ બચાવ્યો હતો. ઈએમટી સાગર મકવાણા તથા પાયલોટ યોગેશભાઈ વૈદ્યની જહેમતના કારણે આ નવજાત બાળકે પ્રથમ સ્થળ પર રડ્યું હતું તથા બંધ ધબકારા પણ શરૂ થઈ ગયા હતા, તથા શ્વાસ પણ ચાલુ થઈ ગયો હતો. અમદાવાદ ૧૦૮ ઓફિસ સ્થિત ડોક્ટરની ટેલીફોનીક સલાહ મુજબ વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ચમત્કારી ઘટનાના સાક્ષી નવજાત બાળકના પિતા તથા ફરજ પરના તબીબે બાળકને અમરેલી ૧૦૮ એમ્બ્યુલન્સમાં કર્મચારીઓ ઈએમટી સાગર મકવાણા તથા પાયલોટ યોગેશભાઈ વૈદ્ય દ્વારા આપવામાં આવેલ પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી.