(એજન્સી) નવીદિલ્હી,તા. ૧૯
અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીને એક બાદ એક ફટકા પડી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા આપના ૨૦ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા બાદ અરવિંદ કેજરીવાલની સરકારને હાઇકોર્ટમાંથી પણ રાહત મળી નથી. હાઇકોર્ટે આમ આદમી પાર્ટીની અરજીને ફગાવી ફટકાર લગાવી હતીકે, આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચની સુનાવણીમાં સહયોગ કર્યો નથી. હાઇકોર્ટ રાષ્ટ્રપતિને મોકલાયેલી ભલામણની કોપી દેખાડવા પણ કહ્યું હતું. હવે આ મામલે સુનાવણી સોમવારે થશે. કોર્ટે ચૂુંટણી પંચના વકીલને પણ નિર્દેશ કર્યો છે કે, તેઓ કોર્ટને તાત્કાલિક જણાવે કે શંું પંચે રાષ્ટ્રપતિને આ પ્રકારની કોઇ ભલામણ કરી છે ન્યાયમૂર્તિ રેખા પલ્લીએ ચૂંટણી પંચના વકીલને જણાવ્યું હતું કે, તેઓ નિર્દેશની કોપી લે અને ઘટનાક્રમ અગે તેને માહિતી આપે જેથી સુનાવણી વહેલી તકે કરી શકાય.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં એએપી સરકારને મોટો ફટકો પડ્યો છે. ચૂંટણી પંચે લાભના હોદ્દાના મામલામાં એએપીના ૨૦ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરી દીધા છે. ચૂંટણી પંચે પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલવા તૈયારી કરી છે. રાષ્ટ્રપતિ જો ચૂંટણી પંચની ભલામણના આધાર પર આ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરશે તો દિલ્હીમાં આ તમામ સીટો ઉપર ફરીથી ચૂંટણી માટેની સ્થિતિ સર્જાઈ શકે છે અને આમ આદમી પાર્ટીને મરણતોડ ફટકો પડી શકે. અલબત્ત એક બાબત નક્કી છે કે, ૨૦ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવાની સ્થિતિમાં પણ ૬૭ સીટોની બમ્પર બહુમતિ ધરાવનાર કેજરીવાલ સરકાર અકબંધ રહેશે. આમ આદમી પાર્ટીએ આ મામલામાં ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર પર તેજાબી પ્રહારો કર્યા છે. એએપીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે, મુખ્ય ચૂંટણી કમિશનર અચલ કુમાર જોતિનો ૨૩મી જાન્યુઆરીના દિવસે જન્મદિવસ છે. તેઓ ૬૫ વર્ષના થઇ રહ્યા છે. જોતિ નિવૃત્ત થતાં પહેલા વડાપ્રધાન મોદીને ખુશ કરવા ઇચ્છુક છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ચૂંટણી પંચમાં આમ આદમી પાર્ટીના કોઇપણ ધારાસભ્યની જુબાની લેવામાં આવી નથી. આજે ચૂંટણી પંચની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી જેમાં આ સંદર્ભમાં રાષ્ટ્રપતિને અહેવાલ મોકલવાનો નિર્ણય કરાયો હતો. આ મામલાની તપાસ રાષ્ટ્રપતિના નિર્દેશ ઉપર જ કરવામાં આવી રહી હતી. ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીના ૨૧ ધારાસભ્યોને લાભના હોદ્દાના મામલામાં અગાઉ કારણદર્શક નોટિસ જારી કરી હતી. આ મામલામાં પહેલા ૨૧ ધારાસભ્યોની સંખ્યા હતી પરંતુ જર્નેલસિંહ પહેલાથી જ રાજીનામુ આપી ચુક્યા છે. દિલ્હી સરકારે માર્ચ ૨૦૧૫માં આમ આદમી પાર્ટીના ૨૧ ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવી દીધા હતા. આને લઇને મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપ અને કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આની સામે પ્રશાંત પટેલ નામની વ્યક્તિએ રાષ્ટ્રપતિ પાસે અરજી દાખલ કરીને આક્ષેપ કર્યો હતો કે, આ ૨૧ ધારાસભ્યો લાભના હોદ્દા ઉપર છે જેથી તેમને ગેરલાયક જાહેર કરવા જોઇએ. દિલ્હી સરકારે ત્યારબાદ દિલ્હી વિધાનસભામાં બિલમાં સુધારો કર્યો હતો. આ બિલનો હેતુ સંસદીય સચિવના હોદ્દાને લાભના હોદ્દાથી મુક્તિ અપાવવાનો હતો પરંતુ તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આ બિલને ફગાવી દીધો હતો. ત્યારબાદથી આ તમામ ૨૧ ધારાસભ્યોની મેમ્બરશીપને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા હતા. આ તમામ ધારાસભ્યો ગેરલાયક ઠેરવાશે તો એએપી પાસે ૪૭ ધારાસભ્યો રહી જશે અને તેની સરકાર ટકી જશે. ધારાસભ્યો દૂર કરવામાં આવ્યા બાદ પણ બહુમતિ માટે જરૂરી ૩૬ સભ્યો કરતા તેની પાસે બહુમતી પુરવાર કરનારા સભ્યો રહી જશે.

મોદીનું ઋણ ચૂકવી રહ્યા છે ચૂંટણી
કમિશનર એ.કે.જોતિ : ‘આપ’નો પ્રહાર


(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
આમ આદમી પાર્ટી (આપ)ના નેતાએ ચૂંટણી અધિકારી પર આરોપ મૂકયો છે કે, ચૂંટણી પંચ દિલ્હીમાં ચૂંટાયેલ સરકાર વિરૂદ્ધ મોદી સરકારના ઈશારે કાવતરું કરી રહ્યું છે. આપ નેતાએ કહ્યું કે, ચૂંટણીપંચે પોતાનો નિર્ણય આપતી વખતે એમના પક્ષને સાંભળ્યો નહીં. લાભકારક પદ મામલે ચૂંટણીપંચ દ્વારા આમ આદમી પાર્ટીના ર૦ ધારાસભ્યોનું સભ્ય પદ રદ કરવાની ભલામણના અહેવાલો દરમિયાન પાર્ટી દ્વારા સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે. આપ પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે શુક્રવારે જણાવ્યું કે, લાભકારક પદ મામલે અત્યારસુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. તમામ માહિતીઓ મીડિયાના માધ્યમથી મળી રહી છે. ભારદ્વાજે કહ્યું કે આપના કોઈપણ ધારાસભ્યો પાસે લાભનો કોઈ પદ નથી. આપના ધારાસભ્યોને ગાડી, બંગલો મળ્યો નહોતો અને એમને કોઈપણ પ્રકારનો પગાર પણ ચૂકવાયો નથી. આપ નેતાએ જણાવ્યું કે, હાઈકોર્ટ દ્વારા આ ધારાસભ્યોને સંસદીય સેક્રેટરી માનવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો છે તો પછી એમનું સભ્યપદ રદ કરવાનો પ્રશ્ન જ કયાં છે ? સૌરભ ભારદ્વાજે લાભકારક પદ અંગેના મામલામાં કેન્દ્રની મોદી સરકાર અને મુખ્ય ચૂંટણી આયુક્ત અચલકુમાર જોતિ પર નિશાન તાક્યું છે. એમણે ગુજરાતમાં મોદી મુખ્યમંત્રી હતા તે વાતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં મોદી સરકાર દરમિયાન જોતિ અધિકારી રહી ચૂકયા છે સાથે જ તેમણે જણાવ્યું કે, સોમવારે નિવૃત્ત થઈ રહેલા ચૂંટણી અધિકારી અચલકુમાર જોતિ ‘મોદીજીનું ઋણ’ ચૂકવી રહ્યા છે. આપ નેતાએ સ્પષ્ટ આરોપ લગાવ્યો કે મોદી સરકારના ઈશારે મુખ્ય ચૂંટણી અધિકારીએ દિલ્હીની ચૂંટાયેલી સરકાર વિરૂદ્ધ કાવતરું ઘડ્યું છે. આપ નેતાએ એમ પણ જણાવ્યું કે, ચૂંટણીપંચ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવ્યો હોય પરંતુ લાભ અંગેના પદ મામલે તેમના પક્ષને સાંભળ્યો નહીં. આપ નેતાએ કહ્યું કે, સમગ્ર વિશ્વમાં કોઈપણ તપાસ થાય તો તેના નિયમ અનુસાર આરોપી પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવે છે. ચૂંટણીપંચે આજ સુધી અમારા ધારાસભ્યોને પોતાનો પક્ષ રાખવા દેવાની તક અપાઈ નથી. ભારદ્વાજે વધુમાં જણાવ્યું કે, ર૩ જાન્યુઆરીના રોજ ચૂંટણી અધિકારી અચલકુમાર જોતિનો જન્મદિવસ છે. એ દિવસે તેઓ ૬પ વર્ષના થઈ જશે. ત્યારબાદ તેઓ મુખ્ય ચૂંટણી અધિકારી પદ પર રહેશે નહીં. તેઓ નિવૃત્ત થઈ જશે.