(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૮
કોવિડ-૧૯ના કારણે કોરોના સંક્રમણની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતાં નેશનલ એસોસિએશન ઓફ સ્ટ્રીટ વેન્ડર્સ ઓફ ઈન્ડિયા (નાસ્વી) દ્વારા સુરત શહેરમાં એક લાખ ડેટોલ સાબુ અને ૪૦ હજાર મેડિકેટેડ માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
કોવિડ-૧૯ને કારણે સુરત શહેરમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આવા સંજોગોમાં સ્વૈચ્છિક બંધ પાળવાનો એક વિકલ્પ ખુલ્લો છે પરંતુ ગરીબ લારી ગલ્લાં ધારકો અને પથ વિક્રેતાઓમાં જોઈએ એટલી જાગૃતિ કેળવાઈ નથી એટલે બિનસંગઠિત ક્ષેત્રના લોકો માટે નેશનલ એસોસિએશન ઓફ સ્ટ્રીટ વેન્ડર્સ ઓફ ઈન્ડિયા (નાસ્વી) સંસ્થા દ્વારા બે ડેટોલ સાબુ અને એક માસ્કનું વિતરણ કરવામાં આવશે. આ સાથે જ તમામને હાથમાં મોજા, મોઢા પર માસ્ક, માથા પર મેડિકેટેડ કેપ, પગમાં બુટ પહેરવા સમજાવટ કરવામાં આવી રહી છે અને તેનું કડક પાલન થાય તે માટે સતત પ્રયત્નશીલ થઈ રહ્યાં છીએ. સુરત શહેર લારી ગલ્લાં એસોસિએશનના અધ્યક્ષ અને નેશનલ એસોસિએશન ઓફ સ્ટ્રીટ વેન્ડર્સ ઓફ ઈન્ડિયા (નાસ્વી)ના સભ્ય શબ્બીરભાઈ ચાહવાલા, હનીફભાઈ કચ્છી, ચંદ્રશેખર પાંડે, પપ્પુકુમાર યાદવ, મુસ્તાક કાછલિયા, શાકિરભાઈ મસ્તાન સહિત આગેવાનોએ શહેરભરમાં વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે જે ૧૦ દિવસ સુધી ચાલશે.