જામનગર, તા.૨૧
લાલપુર તાલુકાના ખટિયા ગામમાંથી શનિવારે સાંજે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે નીકળવાનો હોવાની બાતમી જામનગરના સ્પે. ઓપરેશન ગ્રુપના પીએસઆઈ જે.બી. પટેલ, પો.કો. મયુદ્દીન સૈયદને મળતા ઈન્ચાર્જ પીઆઈ એચ.બી. ગોહિલના વડપણ હેઠળ એસઓજીનો કાફલો ખટિયામાં વોચમાં ગોઠવાયો હતો.
આ સ્થળેથી પસાર થયેલો જાલણ મિયાઝર સમાત ઉર્ફે જાલો ચારણને એસઓજીએ રોકી તલાશી લેતા તેના કબજામાંથી દેશી બનાવટના બે તમંચા નીકળી પડયા હતા. એસઓજીએ આ શખ્સની પૂછપરછ કરતા તેણે ત્રણેક વર્ષ પહેલા જેતપુરના બેરડી ગામના પ્રતાપ કાઠી પાસેથી આ હથિયારો લીધા હોવાની કબૂલાત આપી છે. એસઓજીના પીએસઆઈ પટેલે આ શખ્સ સામે લાલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.