(એજન્સી) નવી દિલ્હી, તા.ર૯
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે દિલ્હીમાં સોનિયા ગાંધી, લાલુપ્રસાદ યાદવ સાથે બંધબારણે ચર્ચા કરી હતી. લાલુ યાદવે કહ્યું હતું કે મુખ્ય વિપક્ષી દળ વગરના મોરચાની રચના કરવી શક્ય નથી. રાંચીથી દિલ્હી સારવાર માટે આવેલા લાલુપ્રસાદ યાદવે કહ્યું કે કોંગ્રેસ સિવાય ત્રીજો મોરચો શક્ય બની શકે નહી. જ્યારે લાલુપ્રસાદ યાદવને પૂછવામાં આવ્યું કે ત્રીજા મોરચાના નેતા રાહુલ ગાંધી હોઈ શકે ? લાલુ યાદવે કહ્યું કે વિપક્ષી નેતાઓ સાથે ચર્ચા બાદ નિર્ણય કરાશે. અમે તેમ છતાં નક્કી કરીશુ કે રાહુલ ગાંધી મોરચાનું નેતૃત્વ કરશે કે નહી. લાલુ યાદવે તમામ વિપક્ષી દળોને ભાજપ સામે એક થવા આહ્‌વાન કરી કહ્યું કે તમે જોઈ શકો છો કે બિહારમાં અમે શું કર્યું હતું. અમે ભાજપને ર૦૧પમાં બિહારમાંથી ઉખાડી ફેંકી હતી. ભાજપને મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓમાં પરાજય મળ્યો. તે માટે વિપક્ષોએ એક થવાની જરૂર છે. વિપક્ષો વેરવિખેર હતા તેનો ભાજપે લાભ લીધો હતો. તમામ વિપક્ષોએ એક થવું પડશે. તેમણે ભાજપ પર બિહારમાં કોમી રમખાણ કરાવવાનો આરોપ મૂક્યો છે. વડાપ્રધાન મોદીએ આપેલા તમામ વચનો અચ્છે દિન, રોજગારી નિષ્ફળ ગયા છે. તેમણે બસપા પ્રમુખ માયાવતીની પ્રશંસા કરી કહ્યું કે યુપીમાં મહાગઠબંધન બસપા-સપા વચ્ચે શક્ય છે. અખિલેશ યાદવે હાલમાં બે લોકસભા બેઠકો જીતી હતી.
લાલુ યાદવે બિહારમાં નીતિશકુમાર દ્વારા ગઠબંધન તોડી ભાજપ સાથે જવાના નિર્ણયની ટીકા કરી કહ્યું કે તેની કોઈ ચિંતા નથી. બિહારમાં નીતિશની સરકાર નથી. સરકારે નિયંત્રણ ગુમાવી દીધું છે. હાલમાં લાલુ યાદવ ઘાસચારા કેસમાં રાંચી જેલમાં સજા કાપી રહ્યા છે. તેઓ સારવાર માટે દિલ્હી આવ્યા છે.