વડોદરા,તા.૧૩
વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં બાબુ શેખ નામના શખ્સને ઢોરમાર મારી લાશને સગેવગે કરવાના બનાવમાં પોલીસે લાશને સગેવગે કરવા વપરાયેલી કાર જપ્ત કરી છે. જો કે છેલ્લા છ દિવસથી પોલીસ અધિકારીઓ કર્મીઓ ફરાર છે કે જેઓનો હજી સુધી કોઈ પતો લાગ્યો નથી. બનાવની વિગત અનુસાર બાબુ શેખને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પૂછપરછના બહાને બોલાવી પોલીસ દ્વારા તેને ઢોરમાર મારી તેની લાશને સગેવગે કરી દીધી હતી. આ અંગે તેના પરિવારજનો પોલીસ સ્ટેશને પૂછપરછ માટે જતા હતા તો તેમને ઉડાઉ જવાબ આપી રવાના કરી દેતા હતા. બાબુ શેખ ગુમ થવાની ફરિયાદ નોંધાયા બાદ ફતેગંજ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મીને નિવેદન માટે બોલાવ્યો હતો. તે સમયે બાબુનો પરિવાર પણ હાજર હતો ત્યાં આ પોલીસ કર્મીએ પરિવારને જોઈ લુચ્ચુ હાસ્ય કર્યું હતું. બાબુને શોધવા માટે તેનો પરિવાર પ૦ દિવસમાં વડોદરાના તમામ રર પોલીસ સ્ટેશન અને તમામ બ્રાન્ચમાં ગયો હતો પહેલા મિસિંગની ફરિયાદ બ્રાન્ચમાં અપાઈ હતી. ત્યારબાદ સયાજીગંજમાં મીસિંગની ફરિયાદ દાખલ થઈ હતી. આરોપીઓને શોધવા પોલીસની ત્રણ ટીમો કામે લાગી છે. જે રાજયના વિવિધ વિસ્તારોમાં શોધી રહી છે. આરોપીઓના મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવી રહ્યા છે. પોલીસે તેમના આશ્રય સ્થાનોની માહિતી મેળવી તપાસ કરી હતી પરંતુ તેમનો કોઈ પતો લાગ્યો નથી.