(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૫
સુરત શહેરમાં કતારગામ ઝોન ૯૦૯ કેસ સાથે લિંબાયત ઝોનને પાછળ મૂકી પહેલા નંબર પર પહોંચી ગયું છે. જેથી સુરત શહેરમાં નવું હોટ સ્પોટ કતારગામ ઝોન બની ગયું છે. અનલોક-૧ પહેલા કતારગામ ઝોનમાં ૨૫૮ કેસ હતા જ્યારે અત્યાર ૯૦૯ કેસ છે. જેથી અનલોક-૧માં અત્યાર સુધીમાં ૬૫૧ કેસનો વધારો થયો છે.
સુરત શહેરમાં કોરોના ૩૬૮૪ કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં ૩૯૪ કેસ નોંધાયેલા છે. જેમાં કતારગામ ઝોનમાં સૌથી વધુ ૯૦૯ કેસ નોંધાયેલા છે. જ્યારે ત્યારબાદ લિંબાયત ઝોનમાં ૮૯૬ કેસ છે. અનલોક-૧ પહેલા લિંબાયત ઝોન સુરત શહેરનો હોટ સ્પોટ વિસ્તાર હતો. જોકે, અનલોક-૧માં કતારગામમાં રત્નકલાકારો અને ટેક્સટાઈલ સાથે સંકળાયેલા લોકોના કેસમાં વધારો થતા કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. કતારગામ ઝોનમાં છેલ્લા ૨૪ દિવસમાં જ ૬૫૧ કેસના વધારો થયો છે. જેથી કતારગામ ઝોનમાં અનલોક-૧માં સાડા ત્રણ ગણો કોરોનાના કેસમાં વધારો થયો છે.