(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
લિંબાયત શાંતિનગર પાસે પોતાના ઘરના જ આગળના ભાગે કરિયાણાની દુકાન ધરાવતા રાજસ્થાની યુવાને ઉધારમાં સામાન આપવા ઇનકાર કરતા ત્રણ યુવાનોએ ઝઘડો કરી ગાળો આપી દુકાનનો કાચ તોડી નાખ્યો હતો અને મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. આ પ્રકરણમાં પોલીસે મોડીરાત્રે ત્રણ યુવાનો પૈકી બેની ધરપકડ કરી હતી. મૂળ રાજસ્થાનનો વતની અને સુરતમાં લિંબાયત શાંતિનગર પાસે ઘર નં.૩૧મા રહેતો ૨૭ વર્ષીય સુખારામ પુનારામ રાઠોડ ઘરના આગળના ભાગે જ કિરાણાની દુકાન ધરાવે છે. ગત ગુરૂવારે સાંજે ચાર વાગ્યાના અરસામાં તે દુકાને હાજર હતો, ત્યારે સ્થાનિક યુવાન કરણ અને અન્ય બે યુવાન તેની દુકાને આવ્યા હતા અને ઉધારમાં સામાન માંગ્યો હતો. સુખારામે ઉધારમાં સામાન આપવા ઇનકાર કરતા ત્રણેયે ઝઘડો કરી ગાળો આપતા સુખારામે ગાળો આપવાની ના પાડી હતી. આથી ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા અને દુકાનના કાઉન્ટરના કાચને લાતો મારી તોડી નાખ્યો હતો. અવાજ સાંભળી સુખારામની પત્ની અને સાળો રાજુ દોડી આવતા ત્રણેયે જતા-જતા સુખારામને ધમકી આપી હતી કે, જોે તું પોલીસ કેસ કરશે તો જાનથી મારી નાખીશું. જો કે, સુખારામે ગભરાયા વિના પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને બાદમાં સુખારામની ફરિયાદના આધારે કરણ અને બે અજાણ્યાઓ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન મોડીરાત્રે લિંબાયત નિલગીરી ક્રિષ્ણાનગરમાં રહેતો અને મજૂરીકામ કરતો ૨૩ વર્ષીય કરણ ઉર્ફે ગુલિયા સુનીલ મહાલે અને લિંબાયત સાંઇ ચોકમાં રહેતો અને મજૂરીકામ કરતો ૨૩ વર્ષીય વિજય ભાષ્કર ચૌધરીની ધરપકડ કરી હતી. પોલીસ વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.