(સંવાદદાતા દ્વારા) સુરત તા.૮
લિંબાયતમાં રહેતા ભાજપના આગેવાને મજુરો પાસેથી ટ્રેનની ટિકિટના લાખો રૂપિયા ઉઘરાવી લીધા હતા. તેની સામે આ આગેવાને ઘણા લોકોને ટિકિટ આપી જ ન હતી. મજુરો ટિકિટ લેવા તેની ઓફિસ કે ઘરે જાય ત્યારે તેમની સાથે ઝઘડો કરીને ગુંડાગર્દી કરી હતી. એક મજુરે તેના ગૃપના ૧.૧૬ લાખ રૂપિયા પરત માંગતા આગેવાન રાજેશ વર્માએ તેને લાકડાના ફટકાથી માથામાં મારીને માથું ફોડી નાખ્યું હતું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
હાલમાં શહેરમાં રહેતા અન્ય રાજ્યના મજુરોને તેમના વતન જવા માટે સ્પેશિયલ શ્રમિક ટ્રેન ચલાવાઈ રહી છે. શહેરના અલગ – અલગ વિસ્તારમાં અલગ-અલગ રાજ્યની ટ્રેનો ખાસ કરીને ભાજપના લોકો મજુરોનું રજીસ્ટ્રેશન કરીને તેમની પાસેથી રૂપિયા લઈને પછી રેલવે સ્ટેશનેથી ટિકિટો ખરીદીને ફરીથી મજુરોને તે ટિકિટ આપી રહ્યા છે. ભાજપે ઝારખંડ જનાર મજુરોની વ્યવસ્થાનું કામ જે ચારેક જણાને સોપ્યું છે તેમાં એક રાજેશ વર્મા છે. તેને લિંબાયતમાં મહારાણા ચોક પાસે આવેલ તેની ઓફિસમાં સેંકડો મજુરો પાસેથી લાખો રૂપિયા લઈ લીધા છે. તેને જેમની પાસેથી રૂપિયા લીધા તે તમામને ટિકિટો આપી નથી. ઝારખંડના સેંકડો મજુરો તેની ઓફિસે જઈને ધક્કા ખાઈ રહ્યા છે.રાજેશ તેજ વિસ્તારની કોઇ સોસાયટીમાં રહે છે. લોકો તેના ઘરે જાય છે. તેમની સાથે દાદાગીરી કરે છે. વાસુદેવ નામના યુવકે ૧૦૦ જણા વતી ૧.૧૬ લાખ રૂપિયા પાંચમી તારીખે રાજેશને આપ્યા હતા. રાજેશે વાસુદેવને કહ્યું કે ૬ તારીખે ટિકિટ મળી જશે.પરંતુ રાજેશે ટીકીટ આપી ન હતી. પછી ૭ તારીખે આપવાની વાત કરી હતી. વાસુદેવ ટિકિટ લેવા રાજેશના ઘરે ગયો. ત્યાં રાજેશને કહ્યું કે ટીકિટ આપે નહીં તો રૂપિયા આપે. ત્યારે રાજેશ અને તેની સાથેનાઓએ ટિકિટ અને રૂપિયા પૈકી કાંઈ પણ નહીં આપીને વાસુદેવને લાકડાના ફટકાથી માર મારી લોહિલુહાણ કરી નાખ્યો હતો. વાસુદેવે તેને રાજેશે માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ મૂક્યો હતો. જેમાં વાસુદેવ કહે છે કે રાજેશે બે-બે હજાર રૂપિયામાં ટિકિટ બ્લેકમાં વેચી નાખી.સાંજ સુધી આ બાબતે કોઈ ગુનો નોંધાયો ન હતો.વાસુદેવ નામના યુવકને તેને માર મારવા બાબતે રાજેશ વર્માએ જણાવ્યું હતું કે તે ભાજપનો સક્રિય કાર્યકર છે અને અજય ચૌધરીના કહેવાથી તે લોકોની સેવા કરવા આ કામ કરે છે. વાસુ નામના વ્યકિતએ ખોટા આક્ષેપ મારા પર કર્યા છે. તે પોલીસની રીક્ષા ફેરવે છે.તેને મારી પાસે આવીને કહ્યું કે તુ બહુ કમાવે છે મને હપ્તો આપ. એટલે અમારી સોસાયટીના લોકોએ તેને માર માર્યો છે. હું બીજા લોકોને રૂપિયા પરત આપી દઈશ.