સુરત, તા.૮
શહેરમાં સતત કોરોનાના પોઝિટિવ કેસો વધી રહ્યા છે. હાલમાં સુરત શહેરમાં સૌથી વધારે કેસો સ્લમ વિસ્તારોમાંથી મળી રહ્યા છે. જેમાં પણ ખાસ કરીને લિંબાયત વિસ્તારમાંથી વધુ કેસો પોઝિટિવ સામે આવી રહ્યા છે. શહેરના કુલ પોઝિટિવ કેસોમાંથી ૪૦ ટકા કેસ લિંબાયત વિસ્તારમાંથી મળી આવ્યા છે. જેથી લિંબાયત વિસ્તારમાં હવે આઈલેન્ડ (ટાપુ) સ્ટ્રેટેજી ડેવલપ કરાશે તેમ સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. લિંબાયત વિસ્તારમાં કોઈ જઈ શકશે નહીં અને ત્યાંથી કોઈ બહાર આવી શકશે નહીં.
સુરત શહેરમાં ગુરૂવારે વધુ ૪૦ પોઝિટિવ કેસો નોંધાયા હતા તેમજ શહેરમાં વધુ ૨ મોત ગુરૂવારે નોંધાયા હતા. જેમાં વધુ વયના લોકોનાં મોત થયા હોવાનું મનપા કમિશનરે જણાવ્યું હતું તેમજ વિવિધ ઝોનમાં લિંબાયત ઝોનમાં ૧૪, સેન્ટ્રલ ઝોનમાં ૧૧, વરાછા-એ ઝોનમાં ૪, ઉધનામાં ૭, અઠવામાં ૧, રાંદેરમાં ૨ અને કતારગામમાં ૧ પોઝિટિવ કેસ આવ્યો હતો. લિંબાયત ઝોનમાં વધુ પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. જેથી લિંબાયત ઝોનમાં સખત કાર્યવાહી કરાશે તેમ મનપા કમિશનરે માહિતી આપી હતી. લિંબાયત ઝોનમાં આઈલેન્ડ સ્ટ્રેટજી ડેવલપ કરવામાં આવી છે. સમગ્ર લિંબાયત ઝોનના એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટથી કોઈ પણ વ્યકિત અવરજવર કરી શકશે નહીં.