(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૨
શહેરના લિંબાયત વિસ્તારમાં ત્રણથી વધુ દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર લિંબાયત વિસ્તારમાં આવેલા કામરૂનગરમાં પતરાની ૩થી વધુ દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગની ૩ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો. કમરૂનગરમાં દુકાનોમાં આગ લાગતા દૂર-દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. જેથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. જો કે, હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.