(એજન્સી) તા.૧૯
નેપાળની કેબિનેટે એક લેન્ડમાર્ક નિર્ણયમાં નેપાલનો નવો રાજકિય નકશો રજૂ કર્યો છે. આ નકશામાં લિમ્પિયાધુરા કાળાપાણી અને લિપુલેખને નેપાળની સીમાનો ભાગ દર્શાવવામાં આવ્યો છે. નેપાળની કેબિનેટે આને પોતાનો યોગ્ય દાવો ગણાવતા કહ્યું છે કે,મહાકાળી (શારદા)નદીનો સ્ત્રોત અસલમાં લિમ્પિયાધુરા જ છે, જે હાલમાં ભારતના ઉત્તરાખંડનો ભાગ છે. ભારત આનાથી ઈન્કાર કરતું આવ્યું છે. નેપાળની કેબિનેટનો નિર્ણય ભારત તરફથી લિપુલેખ વિસ્તારમાં બોર્ડર રોડના ઉદ્‌ઘાટનના દસ દિવસ પછી આવ્યો છે. લિપુલેખથી થઈને જ તિબ્બત ચીનના માનસરોવર જવાનો રસ્તો છે. આ રોડ બનાવ્યા પછી નેપાળે કડક શબ્દોમાં ભારતના પગલાઓનો વિરોધ કર્યો હતો.
ભારતના નિર્ણયનો વિરોધ કાઠમાંડૂમાં નેપાળની સંસદથી લઈને કાઠમાંડૂના રસ્તાઓ સુધી જોવા મળ્યો હતો. અસલમાં છ મહિના પહેલા ભારતે પોતાનો રાજકીય નકશો રજૂ કર્યો હતો, જેમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યના બે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના રૂપમાં દર્શાવ્યો હતા.
આ મેપમાં લિમ્પિયાધુરા, કાલાપાની અને લિપુલેખાને ભારતનો હિસ્સો ગણાવ્યો હતો. આ વિસ્તારો ઉપર નેપાળ લાંબા સમયથી પોતાનો દાવો કરી રહ્યો છે. નેપાળના કૃષિ અને સહકારિતા મામલાઓના મંત્રી ઘનશ્યામ ભુસાલે કાંતિપુર ટેલીવિઝનને કહ્યું, “આ એક નવી શરૂઆત છે. પરંતુ આ કોઈ નવી વાત નથી. અમે હંમેશાથી કહેતા આવ્યા છીએ કે, મહાકાળી નદીનો પૂર્વનો હિસ્સો નેપાળનો છે. હવે સરકારે આને સત્તાવાર રીતે પોતાના નકશામાં પણ સામેલ કરી લીધું છે.” જોકે, ભુસાલે તે પણ કહ્યું છે કે, આનાથી સમસ્યાના સત્તાવાર રીતે ઉકેલ માટે દિલ્હી સાથે વ્યૂહાત્મક રીતે વાતચીત ચાલું રહેશે. માનવામાં આવી રહ્યું છે કે, બંને દેશો વચ્ચે વિદેશ સચિવ સ્તરની વાતચીત કોવિડ-૧૯ સંકટ પછી થશે.