(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૮
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-બગોદરા હાઇવે ઉપર આવેલ હોટલોમાં ઠંડા પીણામાં કેફી ઘેનની દવા નાખીને ટ્રાવેલ અને એસટી બસોમાં મુસાફરી કરતા પેસેન્જરોને શિકાર બનાવી, કિંમતી સામાનની ચોરી કરવાના બનાવો બને છે. આ સંબંધે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારની નંદનવન હોટલ અને દર્શન હોટલો ખાતે પણ બનાવો બનેલ હોઈ, આ બાબતે બંને પોલીસ સ્ટેશન ખાતે બે-બે ગુનાઓ મળી, કુલ ૪ ગુનાઓ નોંધાયા છે. સુરેનદ્રનગર જિલ્લા પોલીસ વડા દિપકકુમાર મેઘાણી દ્વારા આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી આચરવામાં આવતા ગુનાઓ શોધી કાઢવા કરવામાં આવેલ સૂચનાઓ અન્વયે આ પ્રકારના ગુનાઓમાં પકડાયેલ નીતિન રમેશભાઈ ભટ્ટ નામનો આરોપી ભૂતકાળમાં પકડાયો હોવાથી, આ ગુનાનો ભોગ બનાનારને આ આરોપીના ફોટા બતાવવામાં આવતા, આ જ આરોપીએ સુરેન્દ્રનગર જિલ્લાના ચારેય ગુનાઓ આચારેલ હોવાનું, શોધી કાઢવામાં આવ્યું હતું. ઉપરાંત લીંબડી પોલીસ દ્વારા હાઇવે પરની તમામ હોટલો તેમજ એસટી સ્ટેન્ડ ઉપર આરોપીના ફોટા સાથેની વિગતો પણ આપવામાં આવી હતી અને આ આરોપીને પકડી પાડવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. દરમિયાન આ આરોપી નીતિન ઉર્ફે નિતેશ રમેશભાઈ ભટ્ટ બ્રાહ્મણ (ઉ.વ.૪૬) (રહે.રાજકોટ) પોલીસમાં પકડાતા લીંબડી ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લીંબડી પોલીસે ટ્રાન્સફર વોરન્ટ આધારે કબજો મેળવી, આ ગુનાઓમાં ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછમાં તેને આ ગુનાઓની કબૂલાત કરવામાં આવેલ છે. પોતે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હોવાથી, નોકરી નહીં મળતા, ગુનાખોરીના રવાડે ચડી ગયો હતો. શરૂઆતમાં પકડાયેલ આરોપી નીતિન રમેશભાઈ ભટ્ટ અને કેશોદના પોલીસ પુત્ર ધર્મેશ ઉર્ફે ટકલો હિંમતલાલ ખત્રી સાથે મળી ખૂન, લૂંટ, ચોરી, લૂંટ વિથ મર્ડર વગેરે જેવા આશરે ૪૦ જેટલા ગુનાઓ આચર્યા હતા. જેમાં જેલ હવાલે થયો હતો. કોર્ટમાં તમામ કેસો ચાલી જતા, જેલમાંથી બહાર આવેલ અને ગોંડલ ખાતે બેરિંગનું કારખાનું ચાલુ કર્યું હતું. પરંતુ, કારખાનામાં ખોટ જતા, ફરી ગુના કરવાનું શરૂ કરવા મોડસ ઓપરેન્ડી ફેરવી, હાલની મોડસ ઓપરેન્ડી અપનાવેલ હતી. જેના માટે નશાયુક્ત દવાની જરૂરિયાત હોઈ, પોતે સિવિલ સર્જન પાસે જઈ, પોતાને માથાના દુખાવા તેમજ ઊંઘ નહીં આવતી હોવાની ફરિયાદ કરી, દવાનું પ્રિસ્ક્રીપશન લખાવી લીધેલ અને આ દવાનો ઉપયોગ પેસેન્જરોને ઘેન આપવામાં કરવા લાગ્યો હતો. આ ગુનામાં ચોરી કરેલ મુદ્દામાલ રિકવર કરવા તેમજ અન્ય ગુનામાં પકડવાનો બાકી હોઈ, બીજા કોઈ ગુનાઓ કરેલા છે કે કેમ ? તે મુદ્દાઓસર લીંબડી કોર્ટમાં રજૂ કરી, પકડાયેલ આરોપીના પોલીસ રિમાન્ડની માગણી કરવામાં આવનાર છે.