(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૧૧
લીંબડી હાઈવે ઉપર હિટ એન્ડ રનની ઘટના તથા વિરમગામ-માલવણ હાઈવે ઉપર અલ્ટો કાર અકસ્માતે બ્રિજ પરથી નીચે ખાબકી હતી. આ બંને બનાવમાં એક દંપતી તથા એક યુવકનું મોત નિપજ્યું હતું.
જેમાં પ્રથમ બનાવમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઈવે ઉપર આજે સવારે એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું છે. હાલમાં લીંબડી પોલીસે અકસ્માતના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે, હજુપણ મૃતકની ઓળખ બાકી છે જ્યારે અકસ્માત સર્જી અન્ય વાહનચાલક નાસી છૂટ્યો છે. આ અકસ્માત બન્યો ત્યારે વાહનોની લાંબી કતાર લાગી હતી. લીંબડી પોલીસ મૃતક અને અકસ્માત સર્જી અને નાસી છૂટનારની તપાસ ચલાવી રહી છે.
બીજા બનાવમાં વિરમગામ માલવણ હાઈવે પર વણી ગામના બ્રિજ પાસે અલ્ટો કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર બ્રિજ નીચે ખાબકી હતી. આ કારચાલક અને તેની પત્ની મોરબીથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા, ત્યારે વણી ગામના બ્રિજ પાસે આ ઘટના ઘટતા કારમાં બેઠેલ મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેના પતિને ગંભીર ઈજાઓ તથા ૧૦૮ દ્વારા વિરમગામ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં રસ્તામાં જ મોત નિપજ્યું હતું. વિરમગામ ટાઉન પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમ અર્થે વિરમગામ સરકારી હોસ્પિટલ ખસેડાઈ વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બંને મૃતકોના નામ ધરમશીભાઈ પટેલ અને જસીબેન પટેલ છે. તેઓના પરિવારજનોને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અકસ્માતના સ્થળે પહોંચ્યા છે. આ અકસ્માતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે.