લુણાવાડા, તા.ર૭
લુણાવાડા નગરપાલિકા ચૂંટણી વોર્ડ નં.૧માં ભાજપના શહેર મહામંત્રી દ્વારા પેનલ તોડી પક્ષને નુકસાન પહોંચાડવા અંગે શિસ્તભંગના પગલાં લેવા પાલિકાના પૂર્વ પ્રમુખ મણીબેન પટેલ સહિત અન્ય ભાજપના ઉમેદવારોએ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને લેખિત રજૂઆત કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
લુણાવાડા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.૧ના ભાજપના વિજેતા ઉમેદવાર વિરૂદ્ધ પેનલના ઉમેદવારોએ આક્ષેપ કરતા લેખિત રજૂઆતમાં લુણાવાડા પાલિકાની ચૂંટણીઓમાં વોર્ડ નં.૧માં ભાજપના શહેર મહામંત્રી મનુભાઈ પટેલે અને તેમના ઉમેદવાર પુત્ર ચિંતનભાઈ વ્યક્તિગત પ્રચાર કરીને પેનલના ઉમેદવારોને ગેરમાર્ગે દોરી અન્ય પક્ષના ઉમેદવારો સાથે સાંઠગાંઠ કરીને ૧ર૪૭ મત મેળવેલ છે.
શહેરના ભાજપના મહામંત્રી અને તેમના પુત્રએ વોર્ડ નં.૧માં જીતવા માટે માત્ર વ્યક્તિગત પ્રચાર કરી, પેનલના અન્ય ઉમેદવારોને ગેરમાર્ગે દોરી, અન્ય પક્ષનાં ઉમેદવારો સામે સાંઠગાંઠ કરીને પક્ષને હરાવવાનું કાર્ય કરીને માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે તેમના વ્યક્તિગત પ્રચારના કારણે લુણાવાડા નગરમાં ભાજપની નગરપાલિકામાં બહુમતી થઈ શકી નથી. પક્ષની વિચારધારાને મોટું નુકસાન પહોંચાડવાનું કાર્ય કરનાર લુણાવાડા શહેર મહામંત્રી અને તેમના પુત્ર વિરૂદ્ધ શિસ્તભંગના પગલાં લઈને દાખલો બેસાડવા લેખિત રજૂઆત કરતાં શહેર ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.