અંકલેશ્વર, તા.પ
સંઘપ્રદેશ દમણના દેવકા બીચ ખાતે અંકલેશ્વર શહેરના મિતેશ પટેલ સાથે ધોળા દિવસે લૂંટની ઘટના બની હતી જેમાં એક લૂંટારૂં ચપ્પુની અણીએ સહેલાણી પાસેથી કુલ રૂા.૧.૫૦ લાખના માલ સામાનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. જો કે, ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આજરોજ અંકલેશ્વરના મિતેશ પટેલ પોતાના પરિવાર સાથે ફરવા ગયા હતા જ્યાં એક ઈસમે ચપ્પુ બતાવી તેઓની પત્નીનું મંગળસૂત્ર, પર્સ અને મોબાઈલ સહિતના માલ સામાનની લૂંટ ચલાવી લૂંટારૂ ફરાર થઈ ગયો હતો.
જો કે, સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં હાજર અન્ય એક સહેલાણીએ પોતાના મોબાઈલ કેમેરામાં ઉતારી લીધો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં દમણ પોલીસ દોડતી થઈ હતી. બનાવના પગલે સહેલાણી યુવકે દમણ પોલીસ મથકે કુલ રૂા.૧.૫૦ લાખના માલ સામાનની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. હાલ તો દમણ પોલીસે વીડિયોના આધારે લૂંટ ચલાવનાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.