(સંવાદદાત દ્વારા) આણંદ,તા.૬
આણંદ એલસીબી પોલીસે લૂંટ, અપહરણ અને છેતરપિંડીના ગુનાના રીઢા ચાર આરોપીઓના નાપાડ વાંટા ખાતે ઝડપી પાડી પુછપરછ કરતા આણંદ અને વડોદરા જિલ્લાનાં સાત ગુનાઓનો ભેદ ખુલ્યો હતો પોલીસે પકડાયેલા ચારેય આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરી છે. આણંદ જિલ્લામાં તાજેતરમાં જ કાર કંપનીમાં ભાડે મુકવાના બહાને લઈ જઈ કારનું ભાડું કે કાર પરત નહીં આપી બે કાર માલિકો સાથે છેતરપીંડી કરવા અંગેની બે ફરિયાદો નોંધાવા પામી હતી. તેમજ અગાઉ પણ આણંદ જિલ્લામાં આવી ઘટનાઓ બનવા પામેલ છે. જેને પગલે આણંદ એલસીબી પી.આઈ. એચ.બી. ચૌહાણ અને સ્ટાફએ નાપાડ ગામના આરોપીઓ ઉસ્માન માનસીંગ ચૌહાણ તેમજ તેના સાગરિતોને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી હતી. આણંદ એલસીબીની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલીજન્સના આધારે નાપાડ વાંટા ગામેથી લૂંટ, અપહરણ તેમજ છેતરપિંડીના ગુનાના રીઢા આરોપીઓ ઉસ્માન માનસીંગ ચૌહાણ, ઇમરાન માનસિંગ ચૌહાણ, અર્જુન ઉર્ફે ટેણી અરવિંદભાઈ ગોહેલ (ત્રણેય રહે.નાપાડ) અને રાજેશ ઉર્ફે રાજુ છત્રસિંહ ચૌહાણ (રહે.કસુંબાડ)ને ઝડપી પાડી પૂછપરછ કરતા આ ગેંગ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન જેવા જાહેર સ્થળોએથી કોઈ ખોટા બહાને ફોરવિલ ગાડી ભાડે કરી રસ્તામાં છરી બતાવી ડ્રાઇવરને ડરાવી ધમકાવી માર મારી રોકડ રકમ અને ગાડી તેમજ એટીએમ કાર્ડનો પાસવર્ડ બળજબરી પૂર્વક મેળવી છોડવા માટે ખંડણી માંગી રૂપિયા વસૂલ કરતા હતા. આ ઉપરાંત ફોરવીલ કાર રિફાઇનરી જેવી કંપનીઓમાં માસિક રૂા.૨૨ હજારના ભાડાથી સ્ટેમ પેપર ઉપર કરાર કરી ગાડી લઇ આ કાર બારોબાર બીજાને ગીરો કે વેચાણ આપી દઈ કારના રૂપિયા પોતાના અંગત કામમાં વાપરી નાખતા હતા અને જે તે કારણ માલિકને કારનું ભાડું કે ગાડી પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા હતા.