(એજન્સી) નવી દિલ્હી, તા.૯
સીપીઆઈ(એમ) નેતા પ્રકાશ કારતે આજે નિવેદન આપ્યું કે, સામ્યવાદી વિચારધારાના ક્રાંતિકારી સમાન લેનિનની પ્રતિમાને ત્રિપુરામાં તોડી પાડવાની ઘટના અને તામિલનાડુમાં પેરિયાર ઈવીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાની ઘટના ભાજપની હિન્દુત્વ સિવાયની અન્ય વિચારધારા પ્રત્યે અસહિષ્ણુતા દર્શાવે છે.
સાત ડાબેરી પક્ષો-સીપીઆઈ, સીપીઆઈ(એમ), એઆઈએફબી, આરસીપી, સીપીઆઈ (એમએલ) એસયુસીઆઈ અને સીજીપીઆઈએ આ મુદ્દે સંસદ ભવન તરફ વિરોધ યાત્રા કાઢી હતી. પરંતુ તેમને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. સંસદ માર્ગ પર ડાબેરી કાર્યકર્તાઓ અને સમર્થકોને સંબોધતા કારતે આક્ષેપ મૂક્યો હતો કે ત્રિપુરા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભાજપ જેમણે રાજ્યમાં ડાબેરી પક્ષને મત આપ્યો તેમની વિરૂદ્ધ હિંસાનો પ્રયોગ કરવાનો પ્રયત્ન કરી રહી છે.
તેમણે કહ્યું કે લેનિનની પ્રતિમાને તોડી નાખ્યા બાદ ભાજપના કાર્યકરોએ તામિલનાડુમાં પેરિયારની પ્રતિમાને તોડી પાડી હતી. ઉત્તરપ્રદેશમાં તેમણે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું. આ ભાજપની અસહિષ્ણુતા દર્શાવે છે. તેઓ હિન્દુત્વ સિવાય બીજી કોઈ વિચારધારાને સહન કરી શકતા નથી.
સીપીઆઈ(એમએલ)ના નેતા કવિતા ક્રિષ્નને આ પ્રસંગે કહ્યું કે, ભગતસિંહે સ્વતંત્રતા સંગ્રામ વખતે લેનિન પાસેથી પ્રેરણા લીધી હતી. તેથી તેમના સંઘર્ષો પર પણ લેનિનનો પ્રભાવ હતો તે જ સમયે સાવરકર હિટલર અને મુસોલિની પાસેથી પ્રેરણા લઈ રહ્યા હતા. શું આંબેડકર અને પેરિયાર પણ વિદેશી હતા? ભાજપ-આરએસએસ સમર્થકો લેનિન વિરૂદ્ધ એટલા માટે હોવાનો દાવો કરી રહ્યા છે કારણ કે તે વિદેશી હતા. આ સંદર્ભે તેણીએ કહ્યું કે જો આવી જ રીતે વિચારવા જઈએ તો ગાંધીજીની વિશ્વભરમાં પ્રતિમાઓ છે. શું તેમને પણ દૂર કરી લોકોએ તેમનાથી પ્રેરણા લેવાનું બંધ કરવું જોઈએ.
ક્રિષ્નને આરોપ મૂક્યો છે કે લેનિનની પ્રતિમાપર એટલા માટે હુમલો નથી થયો કે તે વિદેશી હતા પરંતુ હુમલો એટલા માટે કરવામાં આવ્યો કે તેમના મૂલ્યો અસમાનતા વિરૂદ્ધના સંઘર્ષ સાથે હતા. જેઓ સમાનતાથી ડરે છે તેમણે લેનિનની પ્રતિમા પર હુમલો કર્યો હતો.
આ સાથે ડાબેરી નેતાઓએ ત્રિપુરામાં નવી ચૂંટાયેલી ભાજપ સરકારને વહેલીતકે શાંતિ અને સ્થિરતા પુનઃ સ્થાપિત કરવા આહ્‌વાન કર્યું હતું.